સુભાષ બ્રિજ નજીક મોડીરાત્રે ફાયરિંગ, બે યુવાનો ઘાયલ, એકની હાલત ગંભીર

જામનગરના નદીપા વિસ્તારમાં સુભાષ બ્રિજ પાસે ગત મોડી રાત્રે ફાયરિંગની ઘટના ઘટી જતા ચકચાર મચી જવા પામી હતી. ખાનગી ફાયરિંગની આ ઘટનામાં બે યુવાનોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલ યુવકોમાંથી એકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. ભાડાની દુકાન બાબતના મનદુઃખને લઈને આ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જામનગરના સુભાષ બ્રીજ પાસે આવેલા નદીપા વિસ્તારમાં મોદી રાત્રે આ ઘટના ઘટી હતી. જેમાં એક મુસ્લિમ શખ્સે અન્ય બે યુવાનો પર ધડાધડ ગોળીબારી કરતા નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં બંને યુવાનોને ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાને અંજામ આપી આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ હોસ્પિટલ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટના ભાડાની દુકાનના મનદુઃખને લઈને ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાણવા મળી રહ્યું છે કે, ગઈ કાલે રાત્રે બંને પક્ષ સમાધાન માટે ભેગા થયા હતા. જ્યાં એકાએક વાત વણસી જતા આરોપીઓ પક્ષે ત્રણ રાઉન્ડ ફાઈરિંગ કરાયું હતું. જેમાં બંને યુવાનોને પેટના ભાગે ગોળી વાગી હતી.

You might also like