ફ્લોરિડામાં યોગ સ્ટુડિયોમાં ફાયરિંગઃ હુમલાખોર સહિત ત્રણ લોકોનાં મોત

ફલોરિડા: અમેરિકાના ફલોરિડામાં એક યોગ સ્ટુડિયોમાં એક બંદૂકધારી હુમલાખોરે ફાયરિંગ કરતાં બેનાં મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. ત્યાર બાદ ફાયરિંગ કરનાર હુમલાખોરે સ્વયંને ગોળી મારીને આત્મહત્યા કરી દીધી હતી.

ફલોરિડાની આ ફાયરિંગની ઘટનામાં કુલ ત્રણનાં મોત થયા હતા. અહેવાલો અનુસાર ફલોરિડાના કેપિટલ સીટી સ્થિતિ યોગા સ્ટુડિયોમાં હુમલાખોરે આવીને એકાએક ફાયરિંગ શરૂ કરી દેતાં અફરાતફરી મચી ગઇ હતી. આ ફાયરિંગમાં બેનાં સ્થળ પર જ મોત થયા હતા. ફાયરિંગમાં ઘાયલ થયેલ પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે અને તેથી મૃત્યુઆંક વધવાની દહેશત સેવાઇ રહી છે.

તાલાહસીના પોલીસવડા માઇકલ ડેલિયોએ પત્રકારોને જણાવ્યંુ હતું કે હુમલાખોરે યોગ સ્ટુડિયોમાં પ્રવેેશીને ત્યાં હાજર છ લોકો પર ફાયરિંગ કર્યું હતું અને ત્યાર બાદ તેણે સ્વયં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. હુમલાખોર અને મૃતકોની હજુ ઓળખ થઇ શકી નથી એમ પોલીસવડાએ જણાવ્યું હતું. હુમલાખોરે એકલાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને પોલીસ અધિકારીઓએ તેની પાછળના કારણો જાણવા તપાસ શરૂ કરી દીધી છે.

શહેરના પોલીસ કમિશનર સ્કોટ મેડોકસ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે ફેસબુક પર કોમેન્ટ પોસ્ટ કરતાં લખ્યું હતું કે મેં મારી પબ્લિક સર્વિસની કારકિર્દીમાં અનેક આવા ખરાબ દૃશ્યો જોયા છે, પરંતુ આજનું દૃશ્ય સૌથી ખરાબ છે. કૃપા કરીને પ્રાર્થના કરજો. સ્થાનિક રિપોર્ટ અનુસાર આ ઘટના જેગુઆર સ્ટેડિયમથી થોડા અંતરે જ ઘટી હતી.

અમેરિકામાં ગઇ સાલ ફાયરિંગની રર ઘટના બની હતી. આ અગાઉ પણ નવેમ્બરમાં અમેરિકાના ટેકસાસ પ્રાંતમાં એક બેપ્ટિસ્ટ ચર્ચ પર થયેલા ફાયરિંગમાં ર૬ લોકોના મોત થયા હતા. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા. હુમલાખોરે ચર્ચમાં પ્રાર્થનામાં આવેલા લોકોને નિશાન બનાવ્યા હતા. ફાયરિંગ કરનાર હુમલાખોર પણ મોતને ભેટ્યો હતો.

આ અગાઉ અમેરિકાના ટેકસાસ પ્રાંતમાં એક વર્ષના એક બાળકની બર્થડે પાર્ટીમાં કેટલાક લોકો વચ્ચે થયેલ વિવાદ અને ચર્ચા બાદ અચાનક જ લોકો વચ્ચે ફાયરિંગ શરૂ થઇ જતાં આ ફાયરિંગમાં ચારનાં મોત થયા હતા અને એક વ્યકિત ઘાયલ થઇ હતી. પોલીસે આ કેસમાં ર૦ વર્ષના એક યુવાનની ધરપકડ કરી હતી.

You might also like