અમેરિકામાં 24 કલાકમાં બે સ્થળે ફાયરિંગ: એક મોત, સાત લોકો ઘાયલ, બે ગનમેન ઠાર

વોશિંગ્ટન: બે અમેરિકી રાજ્ય પેન્સિલ્વાનિયા અને મિડલ્ટનમાં બંદૂકધારી હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે અને કુલ સાત લોકોને ગંભીર ઈજા થઈ છે અને સ્થાનિક પોલીસે બંને ઘટનામાં હુમલાખોરોને ઠાર માર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પેન્સિલ્વાનિયાના પીટ્સબર્ગની એક કોર્ટ બહાર બંદૂકધારીએ ઓચિંતું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ગનમેન ઘરેલુ હિંસાના કેસની સુનાવણી માટે કોર્ટમાં આવ્યો હતો. તે બિલ્ડિંગની લોબીમાં આવ્યો હતો અને એક હેન્ડગનમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

સ્થાનિક પોલીસ અધિકારી રિચર્ડ બોવરે જણાવ્યું હતું કે ગનમેને બે પુરુષ અને એક મહિલાને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન એક પોલીસ અધિકારી લોબીમાં દોડી આવ્યો હતો અને તેણે બંદૂકધારી હુમલાખોરને ઠાર કર્યો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત ચાર લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સ્ટેટ પોલીસ ગ્રુપ-બીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડેનિયલ શિમશોકની મેસનટાઉન સ્થિત ઓફિસની બિલ્ડિંગમાં ફાયરિંગની આ ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.

બીજી તરફ મિડલ્ટનના વિસ્કોન્સિનની રાજધાની મેડિસન નજીક આવેલી એક સોફ્ટવેર કંપનીની ઓફિસ પર પણ બંદૂકધારીએ હુમલો કર્યો હતો. પોલીસે આ ઘટનામાં પણ હુમલાખોરને ગોળીથી વીંધી નાખ્યો હતો. મિડલ્ટન પોલીસ ચીફ ચક ફોલ્કેએ જણાવ્યું હતું કે, સોફ્ટવેર કંપની ડબલ્યુટીએસ પેરડાઈમની ઓફિસ પર હુમલો થયો હતો.

આ હુમલામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. ફાયરિંગમાં બિલ્ડિંગના મુખ્ય દરવાજાના કાચ ફૂટી ગયા હતા. ૧૯૯૯માં શરૂ થયેલી આ સોફ્ટવેર કંપનીમાં લગભગ ૧પ૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે.

હુમલા બાદ પોલીસે સોફ્ટવેર કંપનીની ઓફિસ નજીક આવેલા તમામ શોપિંગ સેન્ટર, ગ્રીનવે સ્ટેશનને બંધ કરાવી દીધા છે. આ વિસ્તારમાં ૩૪ જાણીતાં સ્ટોર્સ અને રેસ્ટોરાં આવેલ છે. પોલીસે હુમલાખોરને ઠાર કર્યો છે, પરંતુ હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી.

You might also like