ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં ફાયરિંગ, અનેકનાં મોત: બાંગ્લાદેશના ક્રિકેટરો માંડ માંડ બચ્યા

(એજન્સી) વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં આવેલી અલ-નૂર અને અન્ય એક મસ્જિદમાં આજે ફાયરિંગ થતાં ચકચાર મચી ગઈ છે. આ હુમલો આજે શુક્રવારે જુમ્માની બપોરની નમાજ બાદ કરવામાં આવ્યો હતો. સ્થાનિક મીડિયા અને પોલીસતંત્ર દ્વારા ર૫થી વધુ લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરાઈ છે અને અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ મૃત્યુઆંક વધી શકે છે. જુમ્માની નમાજ પઢવા ગયેલા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના તમામ ખેલાડી આ ફાયરિંગમાં માંડ માંડ બચ્યા હતા અને તેઓ હાલ સલામત છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યારે તેઓ સ્થિતિ પર કાબૂ મેળવવા મથી રહ્યા છે પણ હજુ ખતરો યથાવત્ જ છે. હુમલાખોર હજુ સક્રિય છે અને મસ્જિદની અંદર જ ક્યાંક છુપાઈને બેઠેલો છે. પોલીસ હુમલાખોરને શોધી રહી છે. વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને આ હુમલાને દેશનો સૌથી કાળો દિવસ ગણાવ્યો છે. પોલીસસૂત્રોના કહેવા પ્રમાણે એક વ્યક્તિને શંકાના આધારે પકડવામાં આવી છે.

અલ-નૂર મસ્જિદમાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડી પણ હાજર હતા. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના ક્રિકેટર તમીમ ઈકબાલે ‌િટ્વટ કર્યું છે કે હુમલાખોરોથી અમારી ટીમ બચી ગઈ છે અને એકદમ સુરક્ષિત છે. આ એક ભયાનક અનુભવ રહ્યો.

અમારા માટે દુઆ કરો. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના પ્રવક્તાએ પણ જણાવ્યું છે કે આખી ટીમ સુરક્ષિત છે, પરંતુ તમામ ખેલાડીઓ માનસિક રીતે ખૂબ તણાવમાં છે. ઉલ્લેખનીય છે કે અલ-નૂર મસ્જિદ ક્રાઈસ્ટચર્ચના ડીન એવન્યૂમાં હેગલીપાર્ક સામે આવેલી છે.

પોલીસ કમિશનર માઈક બુશે ફાયરિંગની ઘટનાના કારણે ક્રાઈસ્ટચર્ચની તમામ સ્કૂલ બંધ કરવાના આદેશ જારી કરી દીધા છે. ઓફિસ, લાઇબ્રેરી અને અન્ય બિલ્ડિંગ પણ બંધ કરાવી દેવામાં આવ્યાં છે. માઈકે લોકોને અપીલ કરી છે કે તેઓ જાહેર રસ્તા પર ન નીકળે અને કોઈ પણ વ્યક્તિનું વર્તન શંકાસ્પદ લાગે તો તુરંત જ પોલીસને જાણ કરે.

સિટી કાઉન્સિલે વાલીઓ માટે એક હેલ્પલાઈન જારી કરી છે, જેથી બાળકોને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં મદદ મળી રહે. નજીકના વિસ્તારમાં જ જળવાયુ પરિવર્તન રેલી માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હતા. પોલીસે હવે લોકોને આ વિસ્તારમાં ન પ્રવેશવાની સૂચના આપી છે.

You might also like