જાનૈયાઓએ હરખમાં કરેલા ફાયરિંગમાં વરરાજાનું જ થયું મોત

સીતાપુર : યુપીનાં સીતાપુરમાં લગ્ન દરમિયાન હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે હવામાં ફાયરિંગ દરમિયાન એક ગોળી વરરાજાને જ વાગી જતા તેનું મોત નિપજ્યું હતું. ગોળી વાગ્યા બાદ વરરાજાને સ્થાનિક હોસ્પિટલ અને ત્યાર બાદ લખનઉ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાં અંગે વિગતે મળતી માહિતી અનુસાર બુધવારે અમિત રસ્તોગી નામનાં યુવકનાં લગ્ન હતા. રાત્રે લગભગ નવ વાગ્યે જાન પ્રેમનગરનાં મંડપ ગેસ્ટ હાઉસ ખાતે પહોંચી હતી. જ્યારે જાન ગેસ્ટહાઉસ ખાતે પહોંચી ત્યારે જાનમાં રહેલા લોકોએ ફાયરિંગ ચાલુ કરી દીધું હતું.
આ ફાયરિંગ દરમિયાન કોઇને ખબર પણ નહોતી પરંતુ અમિતને ગોળી વાગી ગઇ હતી. જ્યારે તે ઘોટા પરથી નીચે ફસડાઇ પડ્યો ત્યારે જાણ થઇકે અમિતને ગોળી વાગી છે. તેનાં માથામાંથી લોહી નિકળવા લાગ્યું હતું. પરિવારજનોએ અમિતને સારવાર માટેનજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે હોસ્પિટલે તેને લખનઉ રિફર કરી દીધો હતો. જ્યાં લખનઉ લઇ જતા સમયે રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.
હાલ તો પોલીસે ઘટનાં સમયે હાજર લોકોની પુછપરછ કરી રહી છે. સીતાપુરનાં એસએસપીનાં કહેવા પ્રમાણે અમિતને ગોળી લાગી છે કે મારવામાં આવી હતી તેની તપાસ ચાલું છે. લગ્ન સમયે મોબાઇલ તથા પ્રોફેશનલ વીડિયો ચાલી રહ્યું હતું. પોલીસે આ તમામ શુટિંગનું એનાલિસીસ કરવાનું ચાલુ કરી દીધું છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

You might also like