રામોલમાં લગ્નમાં કરાયું ફાયરિંગ, વીડિયો થયો વાયરલ, પોલીસે કરી ધરપકડ

લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરવું જાણે એક પ્રકારનો શોખ બની ગયો તેવું લાગી રહ્યું છે. લગ્ન જેવા સામાજિક પ્રસંગમાં પણ લોકો ફાયરિંગ કરીને પોતાની શાન અને દબદબો બતાવવા મથતા રહેતા હોય છે, એવામાં રામોલ વિસ્તારમાં પણ આવું જ કંઈક બન્યું છે.

અમદાવાદના રામોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન હવામાં ફાયરિંગ કરવાની ઘટના બની છે. એટલું જ નહીં આ રીતે ખુલ્લેઆમ કરાતા ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા પોલીસે એક સગીર સહિત મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપીનું નામ મોહસીન ખાન પઠાણ છે, જેણે ફાયરિંગ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો નોંધી આરોપી પાસેથી બાર બોરની બંદૂક અને કારતૂસ કબજે કર્યાં છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, લગ્ન પ્રસંગ દરમિયાન ઉત્સાહમાં પઠાણે હવામાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે હાલ આરોપીઓના નિવેદનો નોંધી લાયસન્સ વગર હવામાં ફાયરિંગ કરવા મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like