ગોડાઉનમાંથી તસ્કરો ફટાકડાનાં ૮૦ પાર્સલ ઉઠાવી ફરાર થઈ ગયા

અમદાવાદ: બાવળા તાલુકાના ગેગામડાંની સીમમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાંથી તસ્કરો ૮૦ જેટલા ફટાકડાના પાર્સલો ઉઠાવી જતાં પોલીસે આ અંગે ગુુુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ ઘોડાસર ખાતે રહેતા અને બાવળા તાલુકાના ગેગામડાંની સીમમાં આવેલા અંબિકા અશિષ ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાં મેનેજર તરીકે નોકરી કરતા તેજસ મોદીએ આ અંગે બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગોડાઉનમાં શિવાકાશી, તામિલનાડુથી ફટાકડાનો જથ્થો મંગાવી સંગ્રહ કરાયો હતો. આ ફટાકડાં જુદા જુદા વેપારીઓને ઓર્ડરથી આપવાના હતા. મોડી રાત્રે તસ્કરોએ ગોડાઉન પર ત્રાટકી ફટાકડાના છ પાર્સલ તથા ગોડાઉનના કમ્પાઉન્ડમાંથી ૭પ જેટલા પાર્સલોની ચોરી કરી ઉઠાવી ગયા હતા. આ ફટાકડાની કિંમત રૂપિયા આશરે પ૦ હજાર જેટલી થતી હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. પોલીસે ગોડાઉનના સિક્યોરિટી સહિત અન્ય લોકોની પૂછપરછ કરી સઘન તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી તસ્કરોનું પગેરું મળ્યું નથી.

You might also like