મણિનગર, જમાલપુર, ગોમતીપુર અને નરોડા રોડ ફાયર સ્ટેશનને ૫૦ કરોડના ખર્ચે નવાં રંગરૂપ અપાશે

અમદાવાદ: ૬૦ લાખ અમદાવાદીઓના કુદરતી કે માનવસ‌િર્જત હોનારત વખતે જાનમાલની રક્ષા કરવા જીવના જોખમે દોડી જતા ફાયર બ્રિગેડના જવાનોને કવાર્ટર્સ સહિતની સારી સુવિધા અપાવવા મણિનગર, જમાલપુર, ગોમતીપુર અને નરોડા રોડ ફાયર સ્ટેશનને અંદા‌િજત રૂ.પ૦ કરોડના ખર્ચે નવાં રંગરૂપ અપાઇ રહ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની ગુનાઇત બેદરકારીના પગલે ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોની સતત ઉપેક્ષા થઇ રહી હોવાની બાબત સર્વવિદિત છે. આ જવાનોને આગ-બચાવના કોલ વખતે ‌િસ્લપર પહેરીને ફરજ બજાવવી પડે છે, યુનિફોર્મ અપાતા નથી, વીમાની બાબત હોય કે અમદાવાદ ફાયર સર્વિસ બે‌િનવેલન્ટ ફંડનો મામલો હોય, ફાયર બ્રિગેડના સ્ટાફ તરફ શાસકો કે તંત્રના મોટા સાહેબો નજર સુધ્ધાં નાખતા નથી. આ તો ઠીક છે, પરંતુ સ્ટાફ માટે પૂરતાં ક્વાર્ટર્સ ન હોઇ તેમને ‘ડોરમેટ્રી’માં રહેવું પડે છે.

વોલ‌િન્ટયર્સની સ્થિતિ તો ભારે કફોડી થઇ છે. દરમ્યાન મણિનગર, જમાલપુર, ગોમતીપુર અને નરોડા રોડ ફાયર સ્ટેશન અને ફાયર સ્ટાફ કવાર્ટર્સનાં હયાત મકાન જૂનાં અને જર્જરિત થયેલાં હોઇ તેને તોડીને નવાં અદ્યતન ફાયર સ્ટેશન અને ફાયર સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવાનો પ્રોજેક્ટ હાથ પર લેવાયો છે. મણિનગર ફાયર સ્ટેશનનું કામ એક-દોઢ મહિનામાં આટોપી લેવાશે. ત્યારબાદ મણિનગરમાં હયાત ર૬ કવાર્ટર્સના બદલે ૪ર કવાર્ટર્સની સુવિધા ઉપલબ્ધ થશે. જમાલપુર ફાયર સ્ટેશન એકાદ વર્ષમાં તૈયાર થશે. ગોમતીપુર અને નરોડા રોડ ફાયર સ્ટેશનને નવાં રંગરૂપ આપતાં હજુ એક-સવા વર્ષ લાગશે. ત્યારબાદ ગોમતીપુર અને નરોડા રોડ ફાયર સ્ટેશનમાં આઠ-આઠ કવાર્ટર્સ વધશે.

કોર્પોરેશન દ્વારા હાલમાં મકરબા ખાતે નવા ફાયર સ્ટેશનનું નિર્માણ કરાઇ રહ્યું છે. મકરબા ખાતે ચાર માળનું બિલ્ડિંગ તૈયાર થતું હોઇ બે માળ બની ગયા છે તેમજ ૩ર કર્મચારી કવાર્ટર્સ અને બે ઓફિસર કવાર્ટર્સની વ્યવસ્થા ઊભી થઇ રહી છે. મકરબા ફાયર સ્ટેશન શહેરનું સોળમું ફાયર સ્ટેશન બનવાનું છે. આ તમામ ફાયર સ્ટેશન ધમધમતાં થયા બાદ સ્ટાફની દશામાં કંઇક અંશે સુધારો થશે તેમ જાણકાર વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like