મેન્ટેનન્સના ઝઘડામાં 600 હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ટલ્લે ચડી

પ્રહ્લાદનગર વિસ્તારના દેવઓરમ ટાવરમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ કુંભકર્ણી નિદ્રામાંથી જાગ્રત થઈને શહેરની હાઈરાઈઝ બિલ્ડિંગોની ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરી છે. જેમાં હાલ તો કોમર્શિયલ હાઈરાઈઝ બિલ્ડિંગની ફાયર સેફ્ટી ચકાસાઈ રહી છે, પરંતુ કોમર્શિયલ કમ રેસિડેન્શિયલ એટલે કે ‘મિક્સ’ પ્રકારની હાઈરાઈઝ બિલ્ડિંગમાં પણ ફાયર સિસ્ટમનો કકળાટ ઓછો નથી. અમદાવાદમાં ૬૦૦ જેટલી મિક્સ હાઈરાઈઝ બિલ્ડિંગ હોઈ આમાંની મોટાભાગની બિલ્ડિંગમાં તંત્રની નિયમાનુસારની એનઓસી નથી અથવા તો ફાયર સેફ્ટીના ઉપરછલ્લાં સાધન ગોઠવીને એનઓસી મેળવીને અનેક લોકોના જીવ સામે જોખમ ઊભું કરાઈ રહ્યું છે.

શહેરની હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયરબ્રિગેડ વિભાગના નિયમો મુજબ એનઓસી ન ધરાવવાનું પ્રમાણ ચોંકાવનારું હોઈ આ દિશામાં દેવઓરમની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. જે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ચાલુ નથી તે બિલ્ડિંગના સંચાલકોને સત્તાવાળાઓ નોટિસ ફટકારીને ફાયર સેફ્ટી ચાલુ કરાવીને તેની એનઓસી મેળવી લેવાની તાકીદ કરી રહ્યા છે.

જોકે શહેરમાં ૬૦૦ જેટલી મિક્સ હાઈરાઈઝ બિલ્ડિંગ પણ યોગ્ય ફાયર સેફ્ટીના અભાવે આકસ્મિક આગ વખતે ‘ટાઈમ બોમ્બ’ બની શકે છે. આવી બિલ્ડિંગના કોમર્શિયલ અને રેસિડેન્શિયલના અલગ એસોસીએેશનના કારણે મેન્ટેનન્સના પ્રશ્ન સર્જાય છે. પાણી, સિક્યોરિટી અને પાર્કિંગ જેવા આંતરિક ઝઘડાથી પણ યોગ્ય ફાયર સેફ્ટી સિસ્ટમ બેસાડવાનાે મામલો અભરાઈએ ચઢે છે.

આગળના ભાગમાં કોમર્શિયલ યુનિટ અને પાછળના ભાડામાં રેસિડેન્શિયલ યુનિટ ધરાવતી મિક્સ પ્રકારની બિલ્ડિંગમાં કેટલાક દુકાનદાર માત્ર બે-ત્રણ ફાયર એક્સટિંગ્યુશર અને ફાયર એલાર્મ ગોઠવીને એનઓસી મેળવી લે છે. જોકે નેશનલ બિલ્ડિંગ કોડ અને રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ એક જ પ્રકારની ફાયર સિસ્ટમ ફરજિયાત હોવા છતાં ફાયરબ્રિગેડ એનઓસી આપે છે.

દુકાન કે ઓફિસ બંધ હોય તેવા સંજોગોમાં આગ ફાટી નીકળે તો તેની જ્વાળા નીચેથી ઉપર જવાના કારણે રેસિડેન્શિયલ યુનિટ જોખમમાં મુકાય છે તેવા સમયે આગ બુઝાવવા માટે રેસિડેન્શિયલ યુનિટની પાણીની સિસ્ટમ ઉપયોગમાં લેવાય છે. આને જોતાં કોમર્શિયલમાં પણ પાણીની સિસ્ટમ જરૂરી બને છે.

કોમર્શિયલ યુનિટમાં એસ્ટેટ વિભાગની મહેરબાનીથી માર્જિનના ભાગમાં દાદર ઊભા કરાય છે. જેના કારણે આગના સમયે ફાયરબ્રિગેડ વિભાગની ગાડીની અવરજવર બાધિત થાય છે. ઈમ્પેક્ટ ફી હેઠળ ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવાની તરકીબ કે ફાયરની કહેવાતી એનઓસી મેળવ્યા બાદ બીયુ પરમિશન પ્રાપ્ત કરીને તેમાં કરાતાં વધારાનાં બાંધકામ, ભોયરાંમાં ગોડાઉન, દુકાનોના કારણે પણ ‘મિક્સ’ બિલ્ડિંગમાં આગના સમયે જોખમ વધે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનની મિક્સ બિલ્ડિંગમાં વ્યવસ્થિત ફાયરસેફ્ટી સિસ્ટમના અભાવની સમસ્યા સૌથી વધારે છે એટલે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ‘મિક્સ’ હાઈરાઈઝ બિલ્ડિંગની ફાયર સેફ્ટી સિસ્ટમ અંગે ગંભીરતાથી વિચારણા કરવાની જરૂર છે.

દેવઓરમનાં વીસ દુકાનનાં તાળાં ફાયર એનઓસી મળતાં ખોલી દેવાયાં છે. ગયા શનિવારે તંત્રે આ દુકાનના સીલ ખોલ્યાં છે. જોકે અન્ય યુનિટોમાં ફાયર સેફ્ટીની એનઓસી મળ્યા બાદ તાળાં ખૂલશે. જોકે પાણીની સિસ્ટમ કાર્યરત કરવાની શરતે એનઓસી અપાઈ હોવા છતાં કેટલાક ધંધાર્થીઓએ દુકાનનો વ્યાપારિક ઉપયોગ શરૂ કરતા નવો વિવાદ સર્જાયો છે.

You might also like