કોમર્શિયલ બિલ્ડિંગોને ફાયર સેફ્ટીની સિસ્ટમ ‘અપ ટુ ડેટ’ કરવા ચેતવણી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ટ્રાફિક નિયમન માટે શહેરભરમાં વ્યાપક ઓપરેશન ડિમો‌લિશનની કામગીરી હાથ ધરાઇ છે. રસ્તા પરથી દૈનિક ૧૦૦ રખડતાં ઢોરને ઝબ્બે કરીને ઢોરવાડે પૂરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયાં છે.

તંત્રના આ પ્રકારના પગલાથી સામાન્ય નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળે છે. હવે સત્તાધીશોએ શહેરનાં કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફ્ટી સિસ્ટમ તરફ ધ્યાન કે‌ન્દ્રિત કર્યું છે. અંદાજે ૬૦૦થી વધુ કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફ્ટી ‘ચાલુ કં‌ડિશન’માં હોય તે દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

જીડીસીઆર-ર૦ર૧ તેમજ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ-ર૦૧૩ અને જીપીએમસી એક્ટ-૧૯૪૯થી પ્રવર્તમાન જોગવાઇ હેઠળ હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર પ્રિવેન્શન પ્રોટેકશન (ફાયર સેફ્ટી) કાર્યરત હોવી અને નિયત સમયમર્યાદામાં તે અંગેનું ફાયર એનઓસી મેળવી લેવું જરૂરી છે.

શહેરમાં આશરે ૬૦૦થી વધુ કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગ હોઇ તેમાં સ્ટાર બજાર, ડી-માર્ટ, હિમાલયા મોલ, ઇસ્કોન મેગા મોલ, ગુલમહોરપાર્ક મોલ, દેવાર્ક મોલ, સત્યમ્ મોલ, ૧૦ એકર્સ મોલ, શ્રી બાલાજી અગોરા મોલ, આર-થ્રી મોલ, ઓરેન્જ મોલ, સંગાથ મોલ, નેશનલ હેન્ડલૂમ હાઉસ તેમજ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ઓડિટોરિયમ એન્ડ એકિઝ‌િબશન વગેરેનો સમાવેશ થાય છે.

મ્યુનિસિપલ ફાયર બ્રિગેડના વડા એમ. એફ. દસ્તૂર કહે છે, આ તમામ મોલ સહિતનાં કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમને ઓકે કરાવવાની રહેશે.

કમિશનર વિજય નેહરા દ્વારા આ માટે સંબંધિત હાઇરાઇઝ બિલ્ડિંગની બે જવાબદાર વ્યક્તિ સાથે મિટિંગ ગોઠવવાની સૂચના અપાઇ છે, જેના આધારે તમામ કોમર્શિયલ બિલ્ડિંગના કર્તાહર્તાને પત્ર પાઠવાઇ રહ્યા છે.

ફાયર બ્રિગેડ દ્વારા જે તે કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગના નજીકના ફાયર સ્ટેશન ખાતે આગામી તા.રર થી ર૮ ઓગસ્ટના સમયગાળામાં મિટિંગ ગોઠવાશે, જેમાં સંબંધિત બિલ્ડિંગની જવાબદાર વ્યક્તિઓને ફાયર સેફ્ટી સિસ્ટમને અઠવાડિયાથી મહિના સુધીના સમયગાળામાં ‘ઓકે’ કરાવી લેવાની તાકીદ કરાશે.

આમ તો ૭પ ટકા કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સિસ્ટમ નખાઇ છે, પરંતુ આ સિસ્ટમ કાર્યરત છે કે નહીં તે માટે જરૂરી સાધન-સામગ્રી બેસાડીને તંત્રની એનઓસી મેળવવાની રહેશે. તંત્રને બિલ્ડિંગની ઊંચાઇ મુજબ પહેલાં ઇન્સ્પેકશન ફી ચૂકવવી પડશે.

તંત્રને પહેલી વખતની નિર્ધારિત ઇન્સ્પેક્શન ફી ચૂકવ્યા બાદ જો ફાયર સેફટી સિસ્ટમ ‘ઓકે’ લાગશે તો ફાયર બ્રિગેડ દ્વારા એનઓસી અપાશે, જે માટેની ફી રૂ.૧૦૦ની છે. એક વર્ષ બાદ ફરીથી એનઓસીને રિન્યૂ કરાવવી પડશે, જોકે ત્યારબાદની ફાયર બ્રિગેડની ઇન્સ્પેકશન ફીનો ચાર્જ નિર્ધારિત ફીથી પ૦ ટકા એટલે કે અડધોઅડધ ઓછો રહેશે.

You might also like