ફટાકડાની હાટડીઅોમાં તમારાં જોખમે ખરીદી કરવા જજો!

અમદાવાદ: શહેરની હાઇરાઇઝ બિલ્ડિંગમાં જે રીતે ફાયર સેફટીની એનઓસીનો મામલો અત્યારે હાઇકોર્ટની કડક સૂચનાના આધારે ગાજી રહ્યો છે. તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોમાં જે પ્રકારે તંત્રની તબક્કાવાર સીલિંગ ઝુંબેશ ચાલી રહી છે તેનાથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. કમનસીબે ફટાકડાની દુકાનોમાં પણ ફાયર સેફટીના મામલે અંધેરગર્દી જ છે. અમદાવાદભરમાં પાંચ હજારથી વધુ ફટાકડાનું વેચાણ કરતા એકમો છે પરંતુ આઘાતજનક બાબત એ છેકે ફટાકડાની માંડ અડધો ટકો દુકાનના માલિકો ફાયર સેફટીના એક્સટિંગ્વિંશર જેવાં સાધન મૂકીને તંત્ર પાસે એનઓસી લેવા આગળ આવે છે.

તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયરસેફટીના અભાવના મામલે ચાલેલી સુનાવણીમાં હાઇકોર્ટ દિવાળીમાં ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટી અંગે કોઇ ચકાસણી કરી છે? ફટાકડાનું લાઇસન્સ આપતાં પહેલાં કેટલી દુકાનોમાં ફાયર સેકટી છે? કોર્પોરેશને ટેન્ટ,શામિયાણા અને ફટાકડાની હાટડીઓમાં પણ ફાયર સેફટીની તકેદારી રાખવાની જરૂર છે તેવી કડક તાકીદ કરી છે.
તેમ છતાં અમદાવાદ ફાયરબ્રિગ્રેડ ચોપડે આજ દિન સુધીમાં ફક્ત ફટાકડાની ર૦ર દુકાનોએ પોતાને ત્યાં ફટાકડા ખરીદવા આવતાં ભૂલકાંઓ સહિત લોકોની જીવનની સુરક્ષા માટે નિયમ મુજબના એક્સટિંગ્વિંશર મૂકીને તંત્રની એનઓસી મેળવી છે.

શહેરના તમામે તમામ ૪૮ વોર્ડના વિસ્તારના રસ્તા કે ગલીમાં દિવાળી દરમ્યાન ફટાકડાની હાટડીઓ જોવા મળે છે. ફટાકડાના કાચા-પાકા મંડપ બાંધીને કે લારી લઇને બેસનારા લેભાગુ દુકાનદારોને ફાયર સેફટીની અનઓસી તો કોઇ કાળે અપાતી નથી પરંતુ મ્યુનિ. એસ્ટેટ વિભાગ અને ટ્રાફિક પોલીસની ‘હપ્તાબાજી’થી આ લોકોનો ધંધો શહેરીજનોના જાનમાલના જોખમે સડસડાટ દોડતો હોય છે.

કોર્પોરેશનનો બદનામ એસ્ટેટ વિભાગ ફટાકડાના વેપારીઓ પાસેથી ખુલ્લેઆમ પ૦૦-૧૦૦૦ની રોકડી કરીને પોતાની દિવાળી સુધારી લે છે. જેમાં ટ્રાફિક પોલીસની પણ મિલી ભગત ચાલે છે. આના કારણે ફટાકડાની દુકાનોમાં આગજનીની ઘટનાને રોકવા કોર્પોરેશન કડક હાથે કાર્યવાહી કરી શકતું નથી! પરિણામે રાયપુર ફટાકડા બજારમાં વર્ષ ર૦૦પમાં થયેલી આગજની જેવી દુર્ઘટનાની જેવી દુર્ઘટનાની આશંકા હરહંમેશ તોળાયેલી રહે છે.

ફાયરબ્રિગ્રેડના વડા એમ.એફ. દસ્તૂર કહે છે, ફટાકડાનું વેચાણ કરનાર દુકાનદારોએ ફાયર સેફટીને લગતા ચોક્કસ નિયમો પાળવાના હોય છે. જેના આધારે જે તે દુકાનદારોને મફતમાં એનઓસી અપાય છે. પરંતુ એનઓસી મેળવનારાઓની સંખ્યા આ વખતે વધુમાં વધુ રરપ દુકાનની થાય તેમ લાગે છે.

You might also like