વડોદરાની બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગતાં યુવતીએ લગાવ્યો કૂદકો

વડોદરા: વડોદરાના અક્ષરચોક પાસે આવેલ સિગ્નેટ હબ બહુમાળી બિલ્ડીંગમાં બપોરે અચાનક શોર્ટસર્કિટના લીધે આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. આગના કારણે નવ માળની આ ઇમારતમાં 200થી લોકો ફસાયા હતાં. આ લોકોને ફાયરબ્રિગેડની વિશાળ સ્નોરકેલ દ્વારા રેસ્ક્યુ કરાયા હતાં.

આ બિલ્ડીંગમાં આવેલી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી અને કર્મચારીઓ ઉપરના માળ તરફ અગાસીમાં દોડી ગયા હતા. અગાસી ઉપર જઈને બચાવવા માટે મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી આરંભી હતી. આધુનિક સ્નોર લેડર દ્વારા ઓફિસના કાચ તોડીને પાણીનો મારો કરીને આગ ને બુઝાવવામાં આવી હતી.

આ ઉપરાંત ગૂંગળામણ અનુભવતા કર્મચારીઓને રેસ્ક્યુ કરીને બિલ્ડીંગની ઓફિસમાંથી તેમજ અગાસી પરથી બહાર કાઢવામાં આવ્યા હતા. 6 જેટલા કર્મચારીઓને ગૂંગળામણ થતાં 108 દ્વારા ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા. બચાવકામગીરી દરમિયાન એક ફાયર બ્રિગેડના જવાનને સાધારણ ઇજા થવા પામી હતી. એક યુવતી ગભરાઇ જતાં તેણે ત્રીજા માળેથી નીચે કૂદકો લગાવતાં તેને ઇજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં મ્યુનિસિપલ કમિશ્નર અનેમેયર ઘટનાસ્થળે રેસ્ક્યુ કામગીરીની માહિતી લેવા માટે આવી પહોંચ્યા હતા સાથે પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. પોલીસે એકઠા થયેલા ટોળાને વિખેરીને રેસ્ક્યુ કામગીરીમાં મદદ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે બિલ્ડીંગમાં આવેલી બધી ઓફિસને ચેક કરી ને ક્યાંયે આગ છે કે નહિ અને કોઈ રહી ગયું છે કે નહિ તે ચકાસીને કામગીરીપૂર્ણ કરી હતી.

You might also like