પહેલા ગાંધીધામ પછી રાજકોટ અને હવે શાપર..! મગફળીના ગોડાઉનમાં આગનો બનાવ

છેલ્લા ઘણા સમયથી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજરોજ રાજકોટના ગોંડલ રોડ પર શાપર-વેરાવળ પાસે આવેલા નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગમાં મગફળીનો જથ્થો બળીને ખાખ થયો છે.

આ ઘટનાની જાણ થતા ફાયરની 10 ટીમો અને SP અને કલેટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ પહેલા 13 માર્ચના રોજ રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં ભીષણ આગ ભભૂકી હતી. જેમાં બારદાનનો વિપુલ જથ્થો બળીને ખાક થયો હતો.

આ આગને કાબૂમાં લેવા માટે 15 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.. આ ઉપરાંત ગોંડલના ઉમરાળા રોડ પાસે જીનિંગ મિલમાં વેરહાઉસમાં રાખવામાં આવેલ ટેકાના ભાવથી ખરીદ કરાયેલ મગફળીના જથ્થામાં આગ ભભૂકી હતી.

આ આગમાં બે લાખ બોરી મગફળી બળીને ખાખ થઈ હતી. 18 કલાકની મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે 2 જાન્યુઆરીના રોજ ગાંધીધામના મીઠીરોહર પાસે સરકારી ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી અને ગોડાઉનમાં સંગ્રહિત અંદાજે 10 કરોડની કિંમતની મગફળીનો બળીને ખાખ થઈ હતી.

ગોંડલના મગફળી ગોડાઉનમાં લાગેલ આગના અંગારા હજુ ઠર્યા પણ નહોતા ત્યાં તો ફરીથી રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. યાર્ડમાં રાખેલા બારદાનમાં ભીષણ આગ લાગી હતી. સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતાં.

માર્કેટિં યાર્ડના પ્લેટફોર્મ પર રાખવામાં આવેલા મગફળીના બારદાનના જથ્થામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જોયો હતો.

ઉલ્લેખનીય છે કે ગોંડલના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગે એટલું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, કે તેને હોલવવા માટે પાંચ દિવસ લાગ્યા હતા. આખા ગોંડલને 10 દિવસ સુધી ચાલી રહે તેટલું પાણી આ આગ હોલવવા માટે વપરાયું હતું. આ આગમાં 2 લાખ મગફળીની ગુણીઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના બાદ હોબાળો થતા સરકારે તપાસના આદેશ આપ્યા હતા.

You might also like