ટેકસટાઇલ કંપનીમાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ

અમદાવાદ: નરોડા મેમ્કો રોડ પર આવેલી એક ટેકસટાઇલ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજા થવા પામી નહોતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક પહોંચી જઇ આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરી હતી.

નરોડા મેમ્કો રોડ પર ઓમકાર ટેકસટાઇલમાં આજે વહેલી સવારે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતાં આજુબાજુના લોકોએ ઊંઘમાંથી ઊઠી જઇ ભયના કારણે ભારે દોડધામ કરી મૂકતાં ભયની લાગણી પ્રસરી ગઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું નથી.

આગનું રાૈદ્ર સ્વરૂપ જોઇ આ રોડ પર લોકોનાં ટોળે ટોળાં એકત્ર થઇ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ફાઇટરો અને વોટર ટેન્કરો સાથે પહોંચી જઇ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા. આગમાં કાચા પાકા માલ તેમજ શેડને ભારે નુકસાન થવા પામ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

You might also like