ચંડોળા તળાવ પાસે ગેસનો બાટલો ફાટતાં ૩૦ કરતાં વધુ ઝૂંપડાં બળીને ખાખ

દાણીલીમડામાં આવેલ ચંડોળા તળાવ પાસેની એક ઝૂંપડીમાં સવારે ગેસનો બાટલો ફાટતાં આગ ભભૂકી ઊઠી હતી. ઝૂંપડીમાં લાગેલી આગથી તેની આસપાસમાં આવેલાં ૩૦ કરતાં વધુ ઝૂંપડાં આગની ઝપેટમાં આવી ગયાં હતાં. ફાયર બ્રિગેડની ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ચંડોળા તળાવ પાસે હજારો ઝૂંપડાં આવેલાં છે. આજે વહેલી સવારે એક ઝૂંપડીમાં રહેતો પરિવાર રસોઇ બનાવી રહ્યો હતો ત્યારે એકાએક ગેસનો બાટલો ફાટ્યો હતો. જેના કારણે ઝૂંપડીમાં આગ લાગી હતી.

સ્થાનિકો આવીને આગ પર કાબૂ લે તે પહેલાં આગે વિકરાળ રૂપ ધારણ કરી એક સાથે ૩૦ કરતાં વધુ ઝૂંપડાંને પોતાની લપેટમાં લીધાં હતાં. ફાયર બ્રિગ્રેડની ટીમને ઘટનાની જાણ થતાં તે નવ ફાયર ટેન્કર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. જોકે આટલી મોટી ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

You might also like