અખબારનગરઃ હાર્ડવેર-ઇલેક્ટ્રિકની દુકાનમાં મોડી રાત્રે લાગી આગ

અમદાવાદ, શુક્રવાર
શહેરના અખબારનગર પાસે આવેલી એક ઇલેક્ટ્રિકની દુકાનમાં ગત મોડી રાતે આગ લગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા નવ જેટલાં ફાયર ફાઇટર ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યાં હતાં. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગમાં કોઈ પણ જાનહાનિ થવા પામી ન હતી.

મળતી માહિતી મુજબ અખબારનગર વિસ્તારમાં ડો. કિરીટ પટેલના દવાખાના પાસે મહાલક્ષ્મી હાર્ડવેર અને ઇલેક્ટ્રિકની દુકાન આવેલી છે. દુકાનમાં ગત મોડી રાતે ૧.૨૦ વાગ્યે એકાએક આગ લાગી હતી.

સ્થાનિકોએ આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં નવ જેટલાં ફાયર ફાઇટર સાથે ફાયરના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. વહેલી સવારે આગ કાબૂમાં આવી હોવાનું ફાયરનાં સૂત્રોએ જણાવ્યું હતું. આગમાં વાયરિંગ, ઇલેક્ટ્રિક અને અન્ય હાર્ડવેરનો સમાન બળીને ખાખ થઇ ગયો હતો.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.

You might also like