રાજકોટમાં રાષ્ટ્રકથામાં લાગી આગ, 50 તંબુઓ ખાખ, 3કિશોરીઓના મોત, 15 દાઝી

રાજકોટના ઉપલેટા પાસેના પ્રાંસલામાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં 3 શિબિરાર્થી કિશોરીઓ ભડથું થઇ ગઇ હતી, જયારે 15 કિશોરીઓ દાઝી ગઈ હતી.

તમામ ઈજાગ્રસ્ત થયેલી કિશોરીઓને ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. જાણકારી પ્રમાણે 10 દિવસથી ચાલતી આ રાષ્ટ્રકથાનો શુક્રવારે છેલ્લો દિવસ હતો, ત્યારે જ આગ લાગવાની ઘટના બની હતી.

સ્વામી ધર્મબંધુ તરફથી રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જો કે શિબિરમાં કુલ 10,000થી પણ વધુ શિબિરાર્થીઓ હતા. રાત્રે અચાનક જ લાગેલી આગમાં 50 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા અને 3 કિશોરીઓના મોત થઈ ગયા હતા. જો કે આ આંકડો વધે તેવી પણ શક્યતા છે.

મોટાભાગના શિબિરાર્થીઓ આરામ કર્યા બાદ રાત્રે પોતાના ટેન્ટમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે જ આગ લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

આર્મીના અને નેવીના જવાનો દ્વારા શિબિરાર્થીઓને બચાવવામાં આવ્યા હતા. જો કે ફાયરની ટીમ પણ પહોંચી ગઈ હતી, ત્યાં સુધી આર્મીના જવાનોએ બચાવકાર્ય હાથ ધર્યું હતું.

શુક્રવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન શરૂ કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી. લગભગ એક કલાકથી વધુ સમય સુધી અફરા-તફરીનો માહોલ રહ્યો હતો. સ્વામી ધર્મબંધુએ આ મામલે દુખ વ્યક્ત કર્યું છે.

You might also like