મણિનગરની શાળામાં મોડી રાત્રે આગ ભભૂકતાં ભારે દોડધામ

અમદાવાદ: મણિનગર વિસ્તારમાં આવેલી એક શાળામાં ગત મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે દોડધામ મચી ગઇ હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે ભયનું વાતાવરણ ઊભું થયું હતું. ફાયર બ્રિગેડના જવાનોના કાફલાએ તાબડતોડ પહોંચી જઇ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.

ફાયર બ્રિગેડનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે મણિનગર વિસ્તારમાં ઉત્તમનગર નજીક ભાડવાતનગર કેનાલ પાસે આવેલ કોસ્મોસ સ્કૂલમાં ગત મોડી રાત્રે ૧ર-૩૦ વાગ્યાના સુમારે અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. આગની વિકરાળતાના કારણે આજુબાજુમાં રહેતા લોકોએ ઊંઘમાંથી બેબાકળા જાગી દોડધામ કરી મૂકતાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ વોટર ટેન્કરો અને ફાયર ફાઇટરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ પાણીનો સતત મારો ચલાવી આગને ગણતરીના સમયમાં જ અંકુશમાં લઇ લીધી હતી. આગના કારણે સ્કૂલનો શેડ, ફર્નિચર સહિતની સાધન-સામગ્રી બળીને ખાખ થઇ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાય છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like