એસજી હાઇવે પર કિરણ મોટર્સમાં મોડી રાત્રે લાગી આગ, મિકેનિક દાઝી ગયો

અમદાવાદ, ગુુરુવાર
એસજી હાઇવે પર રાજપથ કલબ સામે આવેલ કિરણ મોટર્સમાં મોડી રાત્રે અચાનક આગ લાગતાં એક વ્યકિત દાઝી ગઇ હતી. ફાયરબ્રિગેડના જણાવ્યા પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે એસજી હાઇવે પર રાજપથ કલબ સામે આવેલ કિરણ મોટર્સમાં ગત મોડી રાત્રે અચાનક આગ લાગી હતી.

અાગ લાગતાં જ અાજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી અને લોકોઅે દોડધામ કરી મૂકી હતી. કિરણ મોટર્સ ગેરેજમાં વાહનોનું કલરકામ કરતા વિભાગમાં આગ લાગતાં ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી.

આ આગને કારણે અખ્તરભાઇ નામના મિકેનિક દાઝી જતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ફાયર ફાઈટર અને વોટર ટેકર સાથે તાબરતોબ ઘટના સ્થળે પહોંચી જઈ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ અાગને કાબૂમાં લીધી હતી.

આગમાં થયેલા નુકસાનનો આંક તેમજ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. સદ્નસીબે અા ઘટનામાં અન્ય વધુ કોઈને ઈજાઅો થવા પામી ન હતી.

You might also like