ફર્નિચર બનાવતી ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતાં ભારે દોડધામ

અમદાવાદ: ચંડોળા વિસ્તારમાં બેરલ માર્કેટ ખાતે આવેલી પ્લાસ્ટિકનું ફર્નિચર બનાવતી ફેકટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતાં ભારે દોડધામ મચી ગઇ હતી. આગના વિકરાળ સ્વરૂપને કારણે આજુબાજુના રહીશોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજા થઇ હોવાના અહેવાલ મળ્યા નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ચંડોળા વિસ્તારમાં બેરલ માર્કેટ ખાતે આવેલી પ્રાઇમ ફર્નિચર નામની પ્લાસ્ટિકનું ફર્નિચર બનાવતી ફેકટરી અને ગોડાઉનમાં આજે વહેલી સવારે પ-૦૦ વાગ્યે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના વિકરાળ સ્વરૂપના કારણે વહેલી સવારની મીઠી ઊંઘ માણી રહેલા આજુબાજુના રહીશો બેબાકળા બની ઘરની બહાર દોડી આવ્યા હતા અને ભયની લાગણી પ્રસરી હતી.

બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો નવ વોટર ટેન્કરો અને ફાયર ફાઇટરોના કાફલા સાથે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ હજુ સુધી આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. સદ્નસીબે આગમાં કોઇ જાનહાનિ કે કોઇને ઇજા થવા પામી નથી તેમજ આગ લાગવાનું ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી. આગમાં ફર્નિચર બનાવવાનું રોમટી‌િરયલ્સ, ફેવિકોલનો જથ્થો તેમજ તૈયાર ફર્નિચર બળીને ખાક થઇ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

આ અંગેની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ આજુબાજુનો વિસ્તાર કોર્ડન કરી લોકો અને વાહનની અવરજવર અટકાવી દઇ આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like