નવા વર્ષની ઉજવણી દરમિયાન દુબઈની હોટલમાં આગઃ એકનું મોત, ૧૬ જખમી

દુબઈ: દુબઈમાં જ્યારે નવા વર્ષ-૨૦૧૬ને વેલકમ કરવા ઉજવણી ચાલી રહી હતી ત્યારે વિશ્વના સૌથી ઊંચા ટાવર બુર્જ ખલીફા નજીક આવેલી એક લક્ઝરી હોટલમાં આગ લાગતાં ઓછામાં ઓછા ૧૬ લોકો ઘાયલ થયા હતા અને એકનું મૃત્યુ થયું હતું. આ ટાવરની પાસે લોકો નવા વર્ષને વેલકમ કરવા મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

દુબઈ પ્રશાસનના મીડિયા કાર્યાલયે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે એડ્રેસ ડાઉનટાઉન હોટલમાં આગ લાગી ગઈ છે. અધિકારીઓ આગ બુઝાવવા માટે ઝડપથી સ્થળ પર પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે ૬૩ માળની હોટલ ઈમારતના અનેક માળ આગની જ્વાળામાં લપેટાઈ ગયા હતા.

દુબઈ પોલીસવડાએ જણાવ્યું હતું કે હોટલમાં હાજર તમામ લોકોને આગ લાગવાના કારણે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને મોટી દુર્ઘટના નિવારાઈ હતી. આગ એટલી પ્રચંડ હતી તેને બુઝાવતાં કલાકો લાગ્યા હતા.

જનરલ ખમીસ એમ અલમજેમાએ જણાવ્યું હતું કે તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ આગમાં ૧૬ લોકોને દાઝી જવાથી નજીવી ઈજાઓ પહોંચી હતી. જ્યારે એકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. સરકારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આગ ૨૦મા માળે લાગી હતી અને માત્ર હોટલના બહારના ભાગને અસર પહોંચી હતી.

આગ લાગવાથી મચી ગયેલી ભાગદોડમાં એક વ્યક્તિને હાર્ટએટેક આવતાં તેનું મૃત્યુ થયું હતું. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડના ચાર વાહનો કામે લાગી ગયા હતા. આ હોટલ દુનિયાની સર્વોચ્ચ ઈમારત બુર્ઝ ખલીફાની નજીક હોવાથી ગભરાટ વ્યાપી ગયો હતો.

You might also like