ઋગ્વેદનો પ્રથમ શબ્દ અગ્નિ, યજ્ઞ કરનારને અગ્નિ સર્વ રીતે સુખ આપે છે

આ જગતમાં દરેક મનુષ્યને અગ્નિ વગર ચાલતું નથી. આપણાં શાસ્ત્રોએ અગ્નિનું આ સ્વરૂપ જોતાં અગ્નિને ભગવાનનું સ્વરૂપ આપ્યું છે. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં એક ઊર્જા દેખાઈ ત્યાં ત્યાં નમન કરાયું છે. જળમાં અમાપ શક્તિ છે. આ શક્તિ ઊર્જા હોવાથી જળને પણ દેવસ્વરૂપ અપાયું. ત્યાં નમન કરાયું છે. ગંગામૈયા, નર્મદાજી, સમુદ્ર વગેરે તેનાં પ્રત્યક્ષ ઉદાહરણ છે. એવી જ રીતે પીપળો, તપસ્વી, માતા-પિતા વગેરે. આપણે અહીં સ્વાહા અને સ્વધાના પતિ તથા પ્રત્યેક મનુષ્યને ડગલે ને પગલે જેમની જરૂર પડે છે તે ભગવાન અગ્નિની વાત કરવાની છે.

અગ્નિ આઠ સ્વરૂપે સચરાચરમાં વ્યાપ્ત છે. શરીરમાં અગ્નિ જઠરાગ્નિ સ્વરૂપે વસે છે. સમુદ્રમાં અગ્નિદેવનું સ્વરૂપ વડવાનલનું રહે છે. જંગલમાં તે વખતોવખત દાવાગ્નિ સ્વરૂપે પ્રગટે છે. વાદળમાં તે વળી વિદ્યુતસ્વરૂપે મહદંશે ચોમાસામાં પ્રગટે છે. યજ્ઞમાં તે આહ્વાન સ્વરૂપે આવે છે.

કુળમાં તેમનું સ્વરૂપ ગર્હસ્યસ્વરૂપ મનાયું છે. યજ્ઞમંડ‍ળમાં તે દક્ષિણ દિશામાં દાક્ષિણાગ્નૈ તથા દાહસંસ્કાર અર્થાત્ મૃતદેહને અગ્નિદાહ દેતી વખતે કૃવ્યાદાગ્નિસ્વરૂપે રહેલા છે. જેમનું સર્વવ્યાપકપણું આટલંુ વ્યાપક હોય ત્યાં અાપણી સંસ્કૃતિ તેમને નમન કર્યા વગર રહે ખરી? આથી તેમને દેવસ્વરૂપે ગણવામાં આવ્યા છે. આમ, અગ્નિદેવ સ્વયંસિદ્ધ છે.

અગ્નિ અર્થાત્ આગ. આગથી કોણ અજાણ છે? આપણે બધાંએ પ્રત્યક્ષ તથા પરોક્ષ સ્વરૂપે તેમને જોયા છે. અગ્નિને આપણે દેવતાનું સ્વરૂપ આપ્યું છે. અગ્નિદેવ આપણી વાણીના સ્વામી છે. તેમનો રંગ લાલ તથા પીળો છે. પૂર્વ દિશા તથા પશ્ચિમ દિશાના ખૂણાને અગ્નિકોણ કહેવામાં આવે છે.

ઋગ્વેદનો પ્રથમ શબ્દ અગ્નિ છે. અગ્નિનું ગમન હંમેશાં ઉપર તરફ અર્થાત્ ઊર્ધ્વ સ્વરૂપે જ થાય છે. તે અગ્નિદેવની વિશેષતા છે. અગ્નિદેવ માતા પૃથ્વી તથા સૂર્યદેવના પ્રતિનિધિ તરીકે ગણાય છે. સૃષ્ટિએ જ્યારે પોતાનું વિરાટ મુખ પહોળું કર્યું ત્યારે તેમાંથી ભગવાન અગ્નિ પ્રગટ થયા. તેમનો ઉપયોગ અનેક ક્ષેત્રમાં થાય છે. તેમના સિવાય કોઈનેય ચાલતું નથી. તેમની માતાનું નામ વસુભાર્યા છે. તેમના પિતા ધર્મદેવ છે. ભગવાન અગ્નિ એટલા માટે દેવ તરીકે સ્થાન પામ્યા છે કે તેઓ હંમેશાં દાન કરતા રહે છે.

તે સઘળું દીપન કરે છે. દીપન એટલે પ્રકાશિત. ભગવાન અગ્નિ સ્વર્ગલોકમાં રહે છે. તેમને બે પત્ની છે. એક છે સ્વાહા તો બીજાં પત્નીનું નમ સ્વધા છે. યજ્ઞમાં આહુતિના અંતે સ્વાહા શબ્દનો પ્રયોગ થાય છેઃ
ૐ અગ્નયૈ નમઃ સ્વાહા
ઈદં અગ્નયૈ નમમ્
ૐ સોમાયે નમઃ સ્વાહા
ઈદં સોમાયૈ નમમ્

આમ, આહુતિમાં સ્વાહા શબ્દ લગાવવાથી જે તે દ્રવ્ય ભગવાન અગ્નિને અર્પણ થાય છે. તેઓ સ્વાહાના પતિ હોવાથી તે દ્રવ્ય આહુતિ તેમને જ પ્રાપ્ત થાય છે. જેમ આકાશમાંથી વરસેલ વર્ષા નદી-નાળા સ્વરૂપે સમુદ્રમાં ભળે છે તેમ આહુતિમાં જે તે દેવને અપાયેલી આહુતિ તેમને જ અર્પણ થાય છે. આહુતિમાં જે તે દેવને અપાયેલી આહુતિથી જે તે આહુતિનું સૂક્ષ્મ સ્વરૂપ જે તે દેવને મળતાં જે તે દેવ પુષ્ટ બને છે.

ભગવાન અગ્નિની મૂર્તિ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં અાવેલી છે. તેમનું વાહન ‘અજ’ અર્થાત્ બકરો છે. અગ્નિની આરાધનામાંથી આપણને શક્તિ, સ્વાસ્થ્ય અને તેજ પ્રાપ્ત થાય છે, પૂજાસ્થળે કે યજ્ઞસ્થળે સૌપ્રથમ ગણેશજી, કામદેવ, ઈન્દ્ર, ભગવાન વરાહ તથા કાર્તિકેય સ્વામીનું આહ્વાન કરાય છે. અગ્નિદેવનું હંમેશાં ષોડ્શોપચારે પૂજન કરાય છે. આ પૂજન તેમને જલદી પ્રસન્ન કરે છે.

અગ્નિદેવને લાલ પુષ્પ બહુ પસંદ છે. તેમનો બીજમંત્ર ‘રં’ છે. તેમનો મુખ્ય મંત્ર રં વહતિચૈતન્યાય નમઃ છે. તેમને ચત્વારિશિંગાં અર્થાત્ ચાર શીંગડાં છે. બદરીનાથ મંદિરના સિંહદ્વાર નીચે આદિકેદાર મંદિર આવેલું છે.

તેની નીચે તપ્તકુંડ છે. તે જ અગ્નિતીર્થ છે. તેમને સાત હાથ, સાત જીભ તથા ત્રણ પગ છે. લગ્ન પ્રસંગે અગ્નિની સાક્ષીએ લગ્ન યોજાય છે, કારણ કે અગ્નિ ખૂબ પવિત્ર છે. દેવી-દેવતા સમક્ષ આપણે દીપકમાં પણ અગ્નિ જ પ્રગટાવીએ છીએ. તે તેમની સર્વાર્થ સિદ્ધિ નહીં તો બીજું શું છે?

ઋગ્વેદમાં કહ્યું છે કે અગ્નિદેવને ૧૦૦૦ આંખ છે. તેઓ માણસજાતનાં છૂપાં-જાહેર, સારાં અને ખરાબ કામને જુએ છે. સારાં કામ કરનારને સ્વર્ગનું સુખ આપે છે અને ખરાબ કામ કરનારાને દુઃખ ભોગવવાં પડે છે.

અગ્નિદેવનો રંગ લાલ છે. તેથી તેઓ ‘લોહિત’ કહેવાય છે. અગ્નિદેવ યજ્ઞસ્વરૂપ અને વેદસ્વરૂપ છે. તેથી તેઓ ‘સુબ્રહયાત્મા’ કહેવાય છે. તેમની ભક્તિ, સ્તુતિ, પૂજા કરનારને તેઓ ઉત્તમ વિદ્યા અને તપ આપે છે. તેથી તેમને ‘સર્વવયસ્ક’ કહે છે.

તેમનાં કિરણો-જ્વાળાઓ રંગબેરંગી હોવાથી તેમને ‘ચિત્રભાનુ’ કહે છે. દેવોના દેવ તરીકે ‘દેવરાટ’ કહેવાય છે. દેવો માટે અગ્નિદેવ હવિષ્ય લઈ જાય છે માટે તે ‘હવ્યવાહન’ કહેવાય છે. તેઓ ‘દેવદૂત’ પણ કહેવાય છે. હોમેલું બધું ખાય છે તેથી તેઓ ‘હુવાશત’ કહેવાય છે. યજ્ઞ કરનારને તેઓ સર્વ સુખ આપે છે. તેથી તેઓ ઉત્તમ દાતા છે.•

You might also like