રાજસ્થાનઃ લગ્નમાં માતમ, ત્રણ ગેસ સિલિન્ડર ફાટતાં પાંચનાં મોત

જયપુર: રાજ્સ્થાનમાં યોજાયેલા એક લગ્ન સમારોહમાં ત્રણ એલપીજી ગેસ સિલિન્ડર ફાટતાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય ૨૧ને ગંભીર ઈજા થઈ છે, જે પૈકી છની હાલત અતિગંભીર જણાતાં તેમને અજમેર ખસેડાયા છે.

આ ઉપરાંત આ ઘટનામાં ૧૭ જેટલા લોકો નાસભાગથી લાપતા થઈ જતાં તેમની તપાસ ચાલી રહી છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે જે ઘરે લગ્ન હતાં તે મકાનની છત પડી ગઈ હતી અને આસપાસનાં ૧૨ મકાનને પણ નુકસાન થયું છે. હાલ કાટમાળ હટાવવાનું કામ ચાલે છે. તેથી મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે.

અજમેરના બ્યાવર શહેરના નંદનગર ખાતે કુમાવત સમાજ ભ‍વનમાં યોજાયેલા લગ્ન સમારોહ દરમિયાન ગઈ કાલે સાંજે આ દુર્ઘટના સર્જાઈ હતી. આજે સવારે જોધપુર જાન જવાની હતી, પરંતુ ગઈ કાલે સાંજે એક રસોઈયા દ્વારા એક સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવતો હતો ત્યારે એકાએક ત્રણ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં આગ લાગી ગઈ હતી.

બ્લાસ્ટના કારણે બે માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે નાસભાગથી અનેક લોકો તેની નીચે દબાઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાટમાળ નીચે દબાયેલા અને મૃતક લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં બે વ્યકિતનાં ઘટનાસ્થળે અને એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ બાદ કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ઘટનાના થોડા સમય પહેલાં જ વરરાજા હેમંત થૂંકવા માટે બહાર ગયો હતો અને પરત આવ્યો હતો ત્યારે તેને અચાનક બ્લાસ્ટનો અવાજ સંભળાતાં તે તરફ દોડી ગયો હતો અને આ ઘટનામાં જે લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા તે જોઈને તે ખૂબ જ ગભરાઈ ગયો હતો અને મોડી રાત સુધી કોઈની સાથે વાત કરી શક્યો ન હતો.

આ ઘટનામાં સામેના મકાનમાં બેઠેલો એક બાળક ૨૦ ફૂટ સુધી ઊછળીને પટકાયો હતો. તેના પિતાએ જણાવ્યું હતું કે છતની લંબાઈ વધારે હોવાથી તેમનું બાળક નીચે નહિ પડતાં તેને સામાન્ય ઈજા થઈ હતી. દરમિયાન પાડોશી મહિલા ઈન્દ્રા કુમાવતે જણાવ્યું હતું કે મને ગેસની વાસ આવતાં મેં તે ઘેર જઈને ગેસ લીકેજ થયો નથી ને? તેવી વાત કરવા છતાં તે અંગે કોઈ ખાસ ગંભીરતા લેવામાં આવી ન હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ ઘટના બાદ ભારે નાસભાગ મચી જવા પામી હતી, જેમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં તેમજ ૨૧ લોકોને ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

You might also like