દુબઈની ૮૪ માળની ઈમારતમાં આગ લાગતાં અફરાતફરીઃ કોઈ ખુવારી નહીં

દુબઈ: દુબઈમાં ૮૪ માળની એક ગગનચુંબી ઈમારતમાં મોડી રાત્રે આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઈમારત દુનિયાની સૌથી રહેણાક ઇમારત છે. ૮૪ માળની આ દુનિયાની સૌથી ઊંચી રહેણાક ઈમારતના ૪૦ માળ આગની જ્વાળામાં લપેટાઈ ગયા હતા.

આ ઈમારતમાં આગ લાગવાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટીમે ભારે જહેમત ઉઠાવીને ઈમારતમાં વસતા તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. અત્યાર સુધી આ ઈમારતમાં આગને કારણે કોઈ ખુવારી થઈ હોવાના સમાચાર નથી.

૮૪ માળના આ ટાવરને ખાલી કરાવવા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. ઈમારતમાં વસતા લોકોને સહી સલામત બહાર કાઢવા અને આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેમાં તેમને સફળતા મળી હતી.

આગનું કારણ હજુ જાણવા મળ્યું નથી. સત્તાવાળાઓ આગના કારણ અંગે તપાસ કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આજે વહેલી પરોઢિયે સવારે ૪.૦૦ વાગ્યે આગ લાગી હતી. ઈમારતમાં આગ લાગવાથી તેમાં રહેતા લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા અને ઈમારતમાંથી બહાર નીકળવા ભાગદોડ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ટાવરનું નામ ટોર્ચ ટાવર છે અને તેની ઊંચાઈ ૧૧૦૫ ફૂટ છે. આ બિલ્ડિંગ ૨૦૧૧માં બની હતી અને આ અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૫માં પણ તેમાં આગ લાગી હતી.

You might also like