ઝુંડાલ બ્રિજ નજીક આવેલા સેન્ટ્રલ વેર હાઉસનાં ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી

અમદાવાદ: અમદાવાદ મહેસાણા હાઇવે પર ઝુંડાલ બ્રિજ નજીક અાવેલા સેન્ટ્રલ વેર કમિશનનાં ગોડાઉનમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં કસ્ટમનાં કેમિકલ ભરેલાં ડ્રમ હતાં જે આગને કારણે ફાટ્યાં હતાં. બનાવની જાણ અમદાવાદ, ગાંધીનગર ફાયરબ્રિગેડને કરાતાં ૧૦ જેટલાં ફાયરફાઇટરો ઘટના સ્થળે દોડી ગયાં હતાં. જેસીબી દ્વારા દીવાલને તોડી આગને બુઝાવવાની ફરજ પડી હતી.

ફાયરબ્રિગેડનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝુંડાલથી અડાલજ તરફ જતા ઝુંડાલ બ્રિજ નજીક સેન્ટ્રલ વેર કમિશનનાં ગોડાઉન આવેલાં છે. આ ગોડાઉનમાં કસ્ટમનાં કેમિકલ અને પાવડર ભરેલાં ડ્રમ રાખવામાં આવ્યાં હતાં. ગત મોડી રાત્રે ર-૩૦ થી ૩-૦૦ વાગ્યાની આસપાસ એકાએક ગોડાઉનમાં આગ લાગી હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં અમદાવાદની ત્રણ ગાડી, ગાંધીનગર, માણસા અને કલોલની સાતેક જેટલી ફાયરફાઇટરની ગાડીઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

ગાંધીનગર ફાયર બ્રિગેડના હેડ ઓફિસર મહેશભાઇ મોડે જણાવ્યું હતું કે, અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું. અંદર કેમિકલ ભરેલાં ડ્રમ હતાં જે ફાટ્યાં હતાં. અંદર જવા માટે જેસીબીની મદદથી ગોડાઉનની દીવાલ તોડી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવી પડી હતી. આગને કારણે આખું ગોડાઉન બળીને ખાખ થઇ ગયું હતું. સરકારી ગોડાઉનમાં કોઇ ફાયર સેફટીના સાધનો હતાં નહીં. આ બાબતે તપાસ કરી આગળ રિપોર્ટ કરવામાં આવશે.

આગ ક્યા કારણોસર લાગી તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ અને એફએસએલની મદદ લઇ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

You might also like