મકાનમાં રાત્રે આગ ભભૂકીઃ ચાર બાળકોને બચાવાયાંઃ માતાનું મોત

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં મોડી રાત્રે આગ ભભૂકી ઊઠતાં પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયાં હતાં. જ્યારે તેમનાં ચાર બાળકોને આસપાસના રહીશોએ આબાદ રીતે બચાવી લીધાં હતાં. પતિ-પત્નીને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તબીબોએ પત્નીને મૃત જાહેર કરી હતી.

મકાનમાં આગ કેવી રીતે લાગી તે મામલે ફાયરબ્રિગેડ તેમજ પોલીસ અલગ અલગ કારણો આપી રહ્યાં છે. હાલ પોલીસે સમગ્ર ઘટનામાં એફએસએલની મદદ લઇને આગ લાગવા પાછળનું કારણ શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

અમરાઇવાડી વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસની બાજુમાં મોતી રબારીની ચાલી આવેલી છે. આ ચાલીમાં આવેલી કેટલીક દુકાનોને મકાન તરીકે ઉપયોગ કરીને કેટલાક પરપ્રાંતીય લોકો રહે છે. છેલ્લા ઘણા સમયથી એક દુકાનમાં મકાનનો ઉપયોગ કરીને શેરસિંહ નયનસિંહ યાદવ તેની પત્ની પ્રેમલતા ત્રણ પુત્રી નંદની, સોનુ, રાગિની અને એક પુત્ર રીતિક સાથે રહે છે અને પકોડી બનાવવાનો ધંધો કરે છે.

ગઇ કાલે મોડી રાતે શેરસિંહના મકાનમાંથી એકાએક ધુમાડો નીકળતો હતો અને તેમાંથી બાળકોની બુમાબુમ તેમજ ચીસ સંભળાતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને મકાનનું શટર ખોલી નાખ્યું હતું.

શટર ખોલતાં મકાનની ચારેય બાજુમાં આગ લાગી હતી અને પ્રેમલતા અને શેરસિંહ બંને જણા આગની લપેટમાં હતાં. સ્થાનિકોએ પહેલાં ચારેય બાળકોને હેમખેમ રીતે બહાર કાઢ્યા હતા ત્યાર બાદ હેમલતા અને શેરસિંહ પર લાગેલી આગ બુજાવી હતી. સ્થાનિકોએ આગ બુજાવવા માટે ફાયરબ્રિગેડને જાણ કરી હતી ત્યારે બંને જણા ગંભીર રીતે દાઝી ગયાં હોવાથી તેમને૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોેંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો ત્યારે અમરાઇવાડી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ત્યારે બીજી બાજુમાં ગંભીર રીતે દાઝેલી પ્રેમલતાનું સારવાર દરમિયાન મોત થયુ હતું. શેરસિંહના મકાનમાં ગેસનો બાટલો લીકેજ હોવાના કારણે આગ ફાટી હોવાનું સ્થાનિકોએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે ત્યારે ફાયરબ્રિગેડના જવાનો આ ઘટનાને અકસ્માતનું નહીં પરંતુ આત્મહત્યાનું રૂપ આપી રહ્યા છે.

You might also like