હાઇરાઇઝ બિલ્ડિંગની NOC ચકાસવા ફાયર બ્રિગેડને ઓછામાં ઓછું વર્ષ લાગશે!

સેટેલાઇટ વિસ્તારના આનંદનગર ચાર રસ્તા પાસેના દેવ ઓરમ કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગમાં ગયા સોમવારે આગ લાગતાં ફાયર સેફટીની એનઓસીના મામલેે તંત્રે આ બિલ્ડિંગના એ, બી અને સી એમ ત્રણેય ટાવરની ૪૮ દુકાન અને ર૮૦ ઓફિસ મળીને કુલ ૩ર૮ યુનિટને તાળાં માર્યાં છે.

બીજી તરફ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તમામ કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફટીની ચકાસણી હાથ ધરાઇ છે. જે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી બંધ કે ખામીવાળી હોય તેવા બિલ્ડિંગને ફાયર બ્રિગેડ નોટિસ ફટકારી રહ્યું છે, જોકે ફાયર બ્રિગેડની કામગીરી ખરેખર પ્રશંંસનીય હોવા છતાં આ વિભાગ પાસે શહેરની કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફ્ટી ચકાસવા પૂરતો સ્ટાફ જ ન હોઇ આ માટે ઓછામાં ઓછું એક વર્ષ લાગશે.

દેવ ઓરમની દુર્ઘટનાના પગલે શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી. કમિશનર વિજય નેહરાએ ફાયર બ્રિગેડના વડા એમ.એફ. દસ્તૂરને બીપીએમસી એકટની કલમ-પ૬ હેઠળ શો-કોઝ નોટિસ ફટકારી છે. અગાઉ સીજીરોડ અને ડ્રાઇવ-ઇન રોડ પર આગની ઘટનાના પગલે વહીવટીતંત્ર દ્વારા ફાયર બ્રિગેડને શહેરનાં તમામ કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફ્ટી ચકાસવાની તાકીદ કરાઇ હતી.

જોકે દેવ ઓરમની આગની દુર્ઘટના બાદ તંત્રે આ બાબતને ગંભીરતાથી લેતાં હવે તમામ કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરાઇ છે. ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં એટલે કે બુધવારે ૬ બિલ્ડિંગ, ગુરુુવારે પાંચ બિલ્ડિંગ અને ગઇ કાલે એટલે કે શુક્રવારે ત્રણ બિલ્ડિંગ મળીને અત્યાર સુધીમાં કુલ ૧૪ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે.

જોકે શહેરમાં એક અંદાજ મુજબ કુલ ર૮૦૦ હાઇરાઈઝ બિલ્ડિંગ હોઇ તે પૈકી ૧ર૦૦થી વધુ કોમર્શિયલ અને મિક્સ પ્રકારની હાઇરાઇઝ બિલ્ડિંગ હોઇ આ ગતિએ જો ફાયર બ્રિગેડની ચકાસણી ચાલતી રહી તો તેનો એક વર્ષે પણ પાર નહીં આવે. બીજી તરફ જે તે બિલ્ડિંગની એક વર્ષની મુદત માટે અપાયેલી એનઓસીને રિન્યૂ કરવાની કામગીરી પણ સતત કરવી પડશે. આમ, ફાયર સેફ્ટીની ચકાસણીની કામગીરી તંત્રને આકરી પડવાની છે.

શહેરના ૬પ લાખ લોકોના જાનમાલની સલામતી સાથે સંકળાયેલા ફાયર બ્રિગેેડ માટે નાગરિકોના હૃદયમાં ભરપૂર માન છે. ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોએ ગમે તેવા કપરા સંજોગોમાં જીવને જોખમમાં મૂકીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે. તેમ છતાં અગમ્ય કારણસર ફાયર બ્રિગેડ વિભાગમાં પૂરતા સ્ટાફની નિમણૂક કરાતી નથી. ફાયરમેનની મોટા ભાગની જગ્યા વર્ષો સુધી ખાલી રહ્યા બાદ તે બાબતે ભારે ઊહાપોહ થતાં આ જગ્યાઓ ભરાઇ હોવા છતાં હજુ ૪૦૮ પૈકી ૩૭ જગ્યા ખાલી છે.

અગાઉ નવ ફાયર સ્ટેશન હોવા છતાં તે પૈકી એક પણ સ્ટેશન ઓફિસરની જગ્યા ભરાઇ ન હતી. હવે ૧૮ ફાયર ‌સ્ટેશન થયાં છે, પરંતુ આજની સ્થિતિએ સ્ટેશન ઓફિસરની તમામ જગ્યા ખાલી છે. પ૪ જમાદાર પૈકી માત્ર એક જમાદાર ફરજ બજાવે છે. ફાયર બ્રિગેડનાં વાહન ચલાવવા માટે પૂરતી સંખ્યામાં ડ્રાઇવર નથી. ૧પ૯ ડ્રાઇવરની જગ્યા પૈકી ૮૦ જગ્યા ખાલી પડી છે. ર૦ સબ ઓફિસરની જગ્યા પર એક પણ વ્યકિત ફરજ બજાવતી નથી. ચાર ડિવિઝનલ ફાયર ઓફિસરની ખાલી જગ્યા ભરવાની પણ તસ્દી લેવાઇ નથી, જ્યારે ચાર પૈકી એક ડેપ્યુટી ચીફ ઓફિસરની જગ્યાએ હજુ સુધી કોઇની નિમણૂક કરાઇ નથી.

આમ, ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા સતત અવગણના કરાતી હોઇ આવા સંકટના સમયે ચાહીને પણ ફાયર બ્રિગેડ વિભાગ ‘સ્માર્ટ સિટી’ને અનુરૂપ સ્માર્ટ કામગીરી બજાવી શકતો નથી તેમ ચર્ચાઇ રહ્યું છે.

બીજી તરફ દેવ ઓરમના મામલામાં બીયુ પરમિશન મળ્યા બાદ ફેરફાર કરાતાં ધુમાડો બહાર નીકળી શક્યો નહોતો, જોકે તંત્ર દ્વારા ગત ઓગસ્ટ- ર૦૧૮થી જે તે બિલ્ડિંગના માલિક, મેનેજમેન્ટ, ચેરમેન કે સેક્રેટરી પાસેથી બાંયધરી પત્ર લેવાય છે, જેમાં ફાયર એનઓસી અપાયાના સમયથી તેની મુદત સુધી તેને ચાલુ હાલતમાં રખાશે અને જો નિયમોનું પાલન નહીં કરાય અને મોટી આગ, જાનહા‌િન કે હોનારત સર્જાશે તો તેની પૂર્ણ જવાબદારી બિલ્ડિંગના માલિક કે મેનેજમેન્ટની રહેશે અને તંત્ર તરફથી બિલ્ડિંગ માલિક કે મેનેજમેન્ટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે તે મુજબનું લખાણ સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લેવાઇ રહ્યું છે, જોકે એનઓસી મેળવ્યા બાદ પણ બિલ્ડિંગની ફાયર સેફટી બંધ હોય કે તેનું મેન્ટેનન્સ ટાળવામાં આવે તેવા કિસ્સા પણ તાજેતરની ચકાસણીમાં પ્રકાશમાં આવ્યા છે. આમ, ફાયર સેફ્ટીના મામલે જે તે બિલ્ડિંગના માલિક કે મેનેજમેન્ટ પણ કસૂરવાર હોય છે.

હોલિડે-ઈન એક્સપ્રેસ અને શપથ-પને નોટિસ ફટકારાઈ
ફાયર બ્રિગેડ દ્વારા આજે સવારે પ્રહલાદનગર વિસ્તારની હોટેલ હોલિડે-ઇન એક્સપ્રેસમાં ફાયર સિસ્ટમ ખામી ભરેલી હોવાના કારણે નોટિસ ફટકારાઇ હતી, જ્યારે એસજી હાઈવે પરની કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગ શપથ-પને ઇલેક્ટ્રિક કેબલ ડકને મેટલના દરવાજા કરવા અંગે તંત્રે નોટિસ આપી છે. દેવ ઓરમની દુર્ઘટના બાદ સત્તાવાળાઓ આ મામલે ગંભીર બન્યા છે.

You might also like