લંડનની કેમડેન લોક માર્કેટમાં ભીષણ આગઃ ત્રણ માળ આગની લપેટમાં

લંડન: લંડનની કેમડેન લોક માર્કેટમાં મધરાતે એકાએક આગ લાગતાં આગ ત્રણ માળ સુધી પ્રસરી ગઈ હતી, જેના કારણે માર્કેટની ૧૦૦૦ દુકાન અને સ્ટોર આગની લપેટમાં આવી ગયાં હતાં. આ ઘટનાથી આ વિસ્તારમાં મધરાતે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બાદ રાહત-બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડનાં ૧૦ વાહન સાથે ૭૦થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.

આ અંગે સ્થાનિક તંત્રએ લોકોને આ વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે. લંડનની આ માર્કેટમાં વિશ્વના અનેક સહેલાણીઓ ખરીદી માટે આવે છે. તે રીતે આ માર્કેટ વિશ્વમાં સારી રીતે જાણીતી છે. આ માર્કેટમાં મોટા ભાગે ભારતીયોનાં દુકાન અને સ્ટોર આવેલાં છે. લંડનના સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૨ વાગ્યે આ આગ લાગી હતી, જોકે રાતનો સમય હોવાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. પરંતુ આગની જ્વાળા એટલી વિકરાળ હતી કે આગ ત્રણ માળ સુધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે રાતના સમયે આ વિસ્તારમાં ભારે નાસભાગ મચી હતી. જોકે તંત્રએ આ માર્કેટને કોર્ડન કરી લઈ આ માર્કેટ તરફની અવરજવર બંધ કરાવી દેતાં કોઈ જાનહાનિ થઈ નથી. બાદમાં ફાયર ફાઈટરનાં ૧૦ વાહનની મદદથી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરાયા હતા. આગના કારણે આસપાસના વિસ્તારની હોટલના કિચનમાં બ્લાસ્ટનો ખતરો ઊભો થતાં તંંત્રએ આ વિસ્તારની હોટલો ખાલી કરવા આદેશ આપ્યો હતો, જોકે હાલ પણ આ વિસ્તારમાં રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે તેમજ આ વિસ્તારમાં વાહનો કે લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
http://sambhaavnews.com/

You might also like