દિલ્હીમાં રબરનાં ગોડાઉનમાં લાગેલી આગ ૧૫ કલાક પછી પણ બેકાબૂ

નવી દિલ્હી: દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં ખીડકી એક્સટેન્શન પાસે રબરના એક ગોડાઉનમાં મંગળવારે સાંજે ૫.૦૦ વાગ્યે લાગેલી ભીષણ આગ ૧૫ કલાક કરતાં વધુ જહેમત બાદ પણ હજુ સુધી કાબૂમાં આવી નથી. અત્યાર સુધી ફાયરબ્રિગેડની ૮૦ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ૧૫ કલાક કરતાં વધુ સમયથી આગ બુઝાવવાના સઘન પ્રયાસો છતાં હજુ આગની જ્વાળાઓ ભભૂકી રહી છે અને આગ કાબૂમાં આવતી નથી.

ફાયરબ્રિગેડના જણાવ્યા પ્રમાણે આગને કાબૂમાં આવતાં હજુ પણ પાંચેક કલાકનો સમય લાગશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આગ બુઝાવવા માટે એરફોર્સની મદદ માગી છે. આગ બુઝાવવા હેલિકોપ્ટરની પણ મદદ માગવામાં આવી છે.

જે સ્થળે આગ લાગી છે તેની એક બાજુ નિરંકારી પબ્લિક સ્કૂલ આવેલી છે તો બીજી બાજુ રહેણાક વિસ્તાર આવેલો છે. આ આગ આસપાસનાં મકાનોને પણ ચપેટમાં લઈ શકે છે અને તેથી આસપાસના મકાનોને ખાલી કરાવવામાં આવ્યાં છે.

જ્યાં આગ લાગી છે તે રબરના ગોડાઉન તરફ જતો રસ્તો સાંકડો હોવાથી ફાયરબ્રિગેડની ગાડીઓને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે અને તેને વધુ સમય લાગી રહ્યો છે. આ વિસ્તાર સિલેક્ટ સિટીમોલની નજીક છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂરથી જોઈ શકાય છે.

સ્થળ પર હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું કે આગ પહેલા એક ટ્રકમાં લાગી હતી જે ફેલાઈને નજીકના રબરના ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી. આગથી ફેલાયેલા ધુમાડાના ગોટેગોટા પાંચ કિ.મી. દૂર નહેરુ પ્લેસ પરથી પણ દેખાતા હતા.

સૌથી મોટો સવાલ એ છે કે રહેણાક વિસ્તારમાં રબર અને કેમિકલનું ગોડાઉન બનાવવાની મંજૂરી કોણે આપી હતી. આ ગોડાઉન ગેરકાયદે રીતે બનેલું છે અને પોલીસ તેની તપાસ કરી રહી છે.

આગ ઝડપથી ફેલાવવાનું એક કારણ ગોડાઉનમાં રાખેલા કેમિકલ અને રબરનાં ડ્રમ છે. આગ વધુ ન ફેલાય તે માટે રાત્રે પ્રશાસને કેમિકલના ડ્રમને બહાર કાઢ્યાં હતાં.

You might also like