વર્ધામાં આર્મીના શસ્ત્ર ડેપોમાં ભયાનક આગઃ બે અધિકારી, ૧૮ જવાનનાં મોત

વર્ધાઃ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પુલગાંવ સ્થિત લશ્કરના સૌથી મોટા શસ્ત્ર ડેપો – સેન્ટ્રલ એમ્યુનિશન ડેપોમાં મોડી રાત્રે ૨-૦૦ વાગ્યાની આસપાસ આગ લાગતાં લશ્કરના બે અધિકારીઓ અને ૧૮ જવાનો સહિત ૨૦નાં મોત થયાં છે. આ અકસ્માતમાં લશ્કરના ચાર અધિકારીઓ અને ૧૭ જવાનો ઘાયલ પણ થયા છે. શસ્ત્ર ભંડારમાં ભયાનક આગ લાગતાં આજુબાજુના ૬થી ૭ ગામોને ખાલી કરાવાયાં છે અને ૧,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર શસ્ત્ર ડેપોમાં રાત્રે લગભગ ૧.૩૦થી ૨.૦૦ વાગ્યાની આસપાસ ધડાકા સાથે આગ લાગી હતી. આગ પર કાબૂ લેવાના તત્કાળ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ આગ લશ્કરના ડમ્પિંગ યાર્ડમાં લાગી હતી અને જોતજોતામાં આગની જ્વાળાઓએ ભયાનક સ્વરૂપ પકડ્યું હતું. દરમિયાન આગ પર કોઈ રીતે કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ વચ્ચે વચ્ચે શસ્ત્રોના વિસ્ફોટને કારણે થતા ધડાકાથી આગ ફરીથી ભભૂકી ઊઠે છે.

આગને બૂઝાવવાના પ્રયાસો કરતા લશ્કરના ચાર અધિકારીઓ ઘાયલ થયા છે જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ઘાયલ અધિકારીઓ અને જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે દાઝી ગયેલા ડેપ્યુટી કમાન્ડન્ટને આઈસીયુમાં દાખલ કરાયા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યુંં નથી. આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી છે.

લશ્કરના આ શસ્ત્ર ડેપોમાં ભયાનક આગ લાગ્યા બાદ આગર, પીપરી અને નાગઝરી સહિતના આસપાસના ૬થી ૭ ગામોને યુદ્ધનાં ધોરણે ખાલી કરાવવામાં આવ્યાં હતાં. ડેપોમાં સતત ધડાકા સંભળાઈ રહ્યા છે. આગ બુઝાવવા માટે આસપાસના ગામોમાંથી ટેન્કરો લાવવામાં આવ્યાં હતાં. સેવાગ્રામ અને સવાંગીના ડોક્ટરોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ડિફેન્સ ઓફિસરના જણાવ્યા પ્રમાણે એમ્યુનેશન ડેપોમાં એક શેડમાં આગ લાગી હતી. જ્યાંથી આગ શરૂ થઈ હતી તે સ્થળે બુઝાવી દેવામાં આવી હતી. અધિકારીઓએ જોકે અન્ય કેટલાક સ્થળોએ આગ લાગવાની અને ધડાકા થવાની શક્યતાને નકારી કાઢી નથી. પુલગાંવમાં સેન્ટ્રલ એમ્યુનેશન ડેપો દેશનો સૌથી મોટો શસ્ત્રો અને દારૂગોળાનો ભંડાર છે. આગને કારણે શસ્ત્રો અને દારૂગોળામાં વિસ્ફોટ થવાથી આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું.

શસ્ત્રો અને વિસ્ફોટક પદાર્થોના કારણે હજુ વધુ વિસ્ફોટ થવાની અને આગ વધુ પ્રસરવાની શક્યતા છે. તેના કારણે જાનમાલને વધુ નુકસાન અને ખુવારી થવાની પણ દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશના આ સૌથી મોટા શસ્ત્ર ભંડારમાંથી લશ્કરના જુદા જુદા યુનિટોને દારૂગોળો સપ્લાય કરવામાં આવે છે. સંરક્ષણ પ્રધાન મનોહર પરિકર આ શસ્ત્ર ડેપોની મુલાકાત લેનાર છે. આ ઘટનાને લઈને સંબંધિત અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

હાલ આ ઘટનાને અકસ્માત માનવામાં આવી રહી છે, પરંતુ પોલીસ તેની આગળ તપાસ કરી રહી છે. આગના કારણે કેટલાય કિલોમીટર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાયા હતા અને દૂર દૂરથી આગની જ્વાળાઓ દેખાતી હતી. આ શસ્ત્ર ડેપોમાં એક્સપાયર થયેલાં શસ્ત્રો પણ રાખવામાં આવે છે. પુલગાંવ સ્થિત આ શસ્ત્ર ડેપો નાગપુરથી ૧૧૦ કિ.મી. દૂર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે દિવંગત જવાનોના પરિવારનોને સાત્વન આપ્યું હતું અને જખમી જવાનો જલદી સ્વસ્થ થાય તેવી શુભકામના વ્યક્ત કરી હતી. વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને એ પણ જાણકારી આપી હતી કે સંરક્ષણ પ્રધાન મનોહર પરિકરને ઘટના સ્થળે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરવાની સૂચના આપવામાં આવી છે.

You might also like