સાણંદ ખાતેનાં ટાટા નેનોનાં પ્લાન્ટમાં ભીષણ આગ

અમદાવાદ : સાણંદ ખાતે આવેલા ટાટા નેનોનાં પ્લાન્ટમાં ભયંકર આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી. ઘટના અંગે જાણ થતા જ સાણંદ નગર પાલિકાની ફાયર ગાડીઓ ઘટનાં સ્થળે પહોંચી હતી. આગને કાબુમાં લેવાનાં પ્રયાસો ચાલુ કરી દીધા હતા. જો કે આગ એટલી ભયંકર હતી કે સાણંદપાલિકા દ્વારા આમદાવાદ ખાતે જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે અમદાવાદ ફાયર ટીમની બે ગાડીઓ ઘટનાં સ્થળે જવા માટે રવાનાં થઇ ગઇ હતી.

અમદાવાદથી બે ગાડીઓની સાથે 7 જવાનો મોકલવામાં આવ્યા હતા. જેઓએ આગને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી. જો કે આગ એટલી ભયંકર હતી કે લાંબા અંતરથી પણ તેની વિકરાળ લપટો જોઇ શકાતી હતી. સાથે સાથે સમગ્ર વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોનાં કારણે જાણે આકાશ ગોરંભાયું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ફાયર ફાયટરો દ્વારા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. જો કે તુરંત કાર્યવાહીનાં પગલે કોઇ જાનહાની થઇ નહોતી.

ટાટા નેનોનાં પટાંગણમાં આવેલી રબરનાં પ્લાન્ટમાં આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે. જો કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તારણમાં ભારે ગરમીનાં કારણે શોર્ટસર્કિટથી આગ લાગી હોય તેવું અગ્નિશામક દળનું માનવું છે.

You might also like