મનુભાઈ જ્વેલર્સમાં મોડી રાતે આગ: ફાયરના ચાર કર્મચારીઓ દાઝ્યા

અમદાવાદ: શહેરના આશ્રમરોડ પર આવેલા મનુભાઈ જ્વેલર્સ શો-રૂમમાં મોડી રાતે આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરાઈ હતી. આગ બુઝાવવા જતાં ચાર જેટલા ફાયરકર્મીઓ દાઝી જતાં તેઓને સારવાર માટે વી.એસ.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શોર્ટ સ‌િર્કટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
ફાયર બ્રિગેડનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના આશ્રમરોડ પર પતંગ હોટલ સામે આવેલા નેપ્ચ્યુન ટાવરમાં મનુભાઈ જ્વેલર્સ નામનો શો-રૂમ આવેલો છે.

મોડી રાતના દોઢ વાગ્યાની આસપાસ જ્વેલર્સમાં આગ લાગી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં દાણાપીઠ ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ બુઝાવવા જતાં દાણાપીઠ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા નલિન કહાર, અલ્પેશ કહાર, એરિક રિબેરો અને સુનીલ કુરીચાને આગની ઝાળ લાગતાં તેઓ દાઝી ગયા હતા. ચારેય ફાયરકર્મીઓને સારવાર માટે વી. એસ. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જોકે તેઓ હાથ અને મોઢા પર સામાન્ય દાઝી ગયા હોવાનું ફાયરનાં સૂત્રોએ જણાવ્યું હતું. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગના કારણે મોટું નુકસાન થયું હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.

You might also like