અંકલેશ્વરની બેઇલ કંપનીમાં ગેસ લિકેજઃ બેનાં કરુણ મોત

અંકલેશ્વર: અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ બેઇલ કંપનીમાં ટેન્કરમાંથી રસાયણ ખાલી કરતી વેળાએ ૬ જેટલા કામદારોને ગેસની અસર પહોંચતા કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. ૬ કામદારોમાંથી ૨ કામદારોનું ઝેરી ગેસ લાગવાના કારણે કરૂણ મોત નીપજયા હતાં, જયારે અન્ય ચાર કામદારોની હાલત નાજુક જણાતા તેઓને સારવાર હેઠળ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

બનાવ અંગે કંપની કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ મૃતકોના પરિવારજનોને બનાવ અંગેની જાણ થતાં તેઓના પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં બેઇલ કંપની કાર્યરત છે, બેઇલ કંપની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની અને અન્ય ઔદ્યોગિક વસાહતની કંપનીઓનો ઘન કચરો અને કેમિકલયુક્ત કચરો ઇન્ફીનેટરમાં નાશ કરવાની કામગીરી કરે છે.

સોમવારના રોજ ટેન્કરમાંથી રસાયણ અન્ય ટેન્કમાં ખાલી કરવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન કોઇ કારણસર ઝેરી ગેસ લિકેજ થતાં કંપનીમાં દોડધામ મચી ગઇ હતી.

રસાયણ ખાલી કરી રહેલ ૬ જેટલા કામદારોને આ ગેસની અસર પહોંચી હતી. જેમાં ૨૫ વર્ષીય ભુપેન્દ્ર બારટ અને ૨૫ વર્ષીય રતિલાલ રાવતનું ઝેરી ગેસના કારણે મોત નીપજયું હતું. જયારે ૨૦ વર્ષીય કામદાર ઇમ્તિયાઝ ૨૦ વર્ષીય છોટુ મોરમો અને ૩૦ વર્ષીય હનુમાન ઉપરાંત રાજેશ સોલંકીને પણ ગેસની અસર પહોંચતા તેઓનો શ્વાસ રૃંધાતા તેઓને પણ સારવાર હેઠળ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

બનાવ અંગે કંપની સંચાલકો અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને જાણ થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેનો ગુનો નોંધી કાયદાકીય તપાસ હાથ ધરી હતી.
મૃતકોના પરિવારજનોને બનાવ અંગેની જાણ થતાં તેઓના પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. જયારે કંપનીના અન્ય કામદારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

You might also like