પટવા શેરીનાં બે મકાનમાં રાત્રે આગ ફાટી નીકળી

અમદાવાદ: શહેરના રિલીફ રોડ પર પથ્થરકૂવા નજીક આવેલી પટવા શેરીમાં ગત મોડી રાત્રે બે મકાનોમાં એકાએક આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઇ હતી. બનાવની જાણ ફાયર‌િબ્ર‌ગેડને કરાતાં ટીમે તત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઇને જાનહાનિ થવા પામી નહોતી.

ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત રાત્રે ૧.૩૦ વાગ્યે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે પથ્થરકૂવામાં આવેલી પટવા શેરીમાં એક મકાનમાં આગ લાગી છે જેથી ફાયર‌ બ્રિગેડનાં બે ફાયર ટેન્કર અને બે  મિની ટેન્કરને તાત્કાકિલ રવાના કરાયાં હતાં.

ફાયર‌ બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જે મકાનમાં આગ લાગી હતી તેના માલિક કોદરભાઇ કુરેશી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેમાં ભાડવાત તરીકે મહેશ કબીબી ઇસ્માઇભાઇ શેખ રહે છે. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત્રે ઘટના પરિવાજનો સૂઇ રહ્યાં હતાં ત્યારે અચાનક શોર્ટસર્કિટ થઇ હતી અને આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ વધુ પ્રસરી ગઇ હતી. બાજુમાં આવેલા મકાનોમાંથી પણ લોકો દોડી બહાર નીકળી ગયા હતાં. બાજુના અન્ય એક મકાનમાં પણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું જોકે આ આગની ઘટનામાં કોઇને જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

You might also like