નારદ સ્ટિંગ કેસમાં TMCના નેતા સહિત 13 સામે FIR

કોલકાતા: નારદ સ્ટિંગ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશથી સીબીઆઈએ એક મહિનાની તપાસ બાદ ટીએમસીના નેતાઓ સહિત 13 સામે એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆરમાં અન્ય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલેકે આ અન્ય 13 સામે પણ સીબીઆઈ તપાસ કરશે.

આ અંગે નોંધાયેલી એફઆઈઆરમાં પશ્વિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના 12 નેતાનાં નામ સામેલ છે. તેમાં કેટલાક પ્રધાન અને સાંસદ પણ સામેલ છે. જ્યારે રાજ્યના એક પોલીસ અધિકારીનું પણ નામ સામેલ છે. આ તમામ આરોપી નારદ સ્ટિંગ ઓપરેશનના વીડિયો ફૂટેજમાં જોવા મળી રહ્યા છે. સીબીઆઈના તપાસ અધિકારીઓ આ તમામને ટૂમક સમયમાં પૂછપરછ માટે બોલાવી શકે છે. તેમજ આ તમામની નારદ ન્યૂઝ વેબ પોર્ટલના સીઈઓ મેથ્યુ સેમ્યુઅલ સાથે બેસાડી પૂછપરછ કરી શકે છે. ગત 21 માર્ચે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને એક માસમાં આ કેસની તપાસ પૂરી કરી આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો હતો. તેમજ એમ પણ જણાવ્યું હતું કે જો સીબીઆઈને આ કેસમાં તપાસ માટે વધુ સમયની જરૂર પડે તો તે કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી શકે છે.

એફઆઈઆરમાં જેમનાં નામ છે તેમાં તૃણમૂલના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રાય, પૂર્વ પ્રધાન અને તૃણમૂલના વરિષ્ઠ નેતા મદન મિત્રા, સાંસદ સુલતાન અહેમદ, સાંસદ સૌગાત રાય, સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર, કોલકાતા નગર નિગમના મેયર અને આવાસ પ્રધાન શોભન ચેટરજી, કોલકાતા નગર નિગમના ડે.મેયર અને ધારાસભ્ય ઈકબાલ અહેમદ, સાંસદ પ્રસૂન બેનરજી, પંચાયત પ્રધાન સુબ્રતો મુખરજી, માર્ગ પરિવહન પ્રધાન શુભેન્દુ અધિકારી, સાંસદ અરૂપા પોદાર, શહેરી વિકાસ પ્રધાન ફિરહાદ હકીમ અને આઈપીએસ અધિકારી એસએમએચ મીરજાનો સમાવેશ થાય છે.
http://sambhaavnews.com/

You might also like