FIRમાં અારોપી દર્શાવેલા પીઅાઈ પોતે જ તપાસનીશ અધિકારી!

અમદાવાદ: જ્યારે કોઇ પોલીસ અધિકારી સામે ગુનો દાખલ થાય અને તેની તપાસ તે પોલીસ અધિકારી પોતે જ કરતા હોય તે બને ખરું? આવું અમદાવાદ શહેરમાં બન્યું છે. શહેર પોલીસમાં કેટલું ધુપ્પલ ચાલે છે તેનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ તથા ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સામે શાહઆલમની એક દુકાનમાં ગેરકાયદે કબજો કરવાની સંડોવણીનાે ગંભીર આક્ષેપ થતાં ચારેય સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. નવાઇની વાત છે કે કોર્ટના આદેશથી ખુદ એમ. એન. પંડ્યાએ આ ફરિયાદ દાખલ કરી છે, જેમાં આરોપી તરીકે પણ તેમનું પોતાનું નામ છે અને છેલ્લા દોઢ મહિનાથી તપાસ પણ પોતે જ કરી રહ્યા હતા. આ બાબતને હાઇકોર્ટે અત્યત ગંભીરતાથી લઇને શહેર પોલીસ કમિશનર અને ડીસીપીને નોટિસ ઇશ્યૂ કરતાં ઉચ્ચ અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. છેવટે આ કેસની તપાસ મણીનગર પીઆઇને સોંપાતાં તેઓ કોર્ટમાં ‌િરપોર્ટ લઇને હાજર થયા હતા.

કાલુપુરમાં રહેતા ફરિયાદી મુનાફ મેમણે કરેલા આક્ષેપ પ્રમાણે શાહઆલમ રસુલાબાદ ખાતે તેમની ભાડાની દુકાન આવેલી છે. તારીખ 19-10-15ના રોજ દુકાનનાં તાળાં તોડીને કેટલીક અજાણી વ્યકિતઓ દુકાન ઉપર કબજો જમાવીને દુકાનમાં પડેલો માલસામાન ચોરીને લઇ ગઇ હતી, જેની જાણ મુનાફ મેમણને થતાં તેમને તાત્કા‌િલક પોલીસને ફોન કરીને ઘટનાસ્થળ ઉપર બોલાવી દીધી હતી. તે સમયે ઘટનાસ્થળ ઉપર ઇસનપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ લવજીભાઇ અને અન્ય બે પોલીસકર્મીઓ આવ્યા હતા. મોડી રાતે ગુનો દાખલ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. પંડ્યાની મંજૂરી લેવી પડે તેવું જણાવીને લવજીભાઇ દુકાનની ચાવી લઇને જતા રહ્યા હતા.

આ ઘટના પછી મુનાફ મેમણ પોતાની દુકાનની ચાવી લેવા માટે અવારનવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા, જોકે લવજીભાઇએ દુકાનની ચાવી આપવા માટે ગલ્લાંતલ્લાં કર્યાં હતાં. પોલીસ ઇન્સ્પેક્ટરે પણ દુકાનની ચાવી આપવા માટે ના પાડતાં ફરિયાદીએ હાઇકોર્ટમાં ‌િપ‌િટશન ફાઇલ કરી હતી. હાઇકોર્ટે આ કેસમાં ગુનો દાખલ કરવા માટે પોલીસને આદેશ કર્યો હતો. લવજીભાઇએ તારીખ 17-11-2015ના રોજ ફરિયાદ દાખલ કરાવવા માટે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. જ્યાં પોલીસે ફરિયાદમાં આરોપી તરીકે લવજીભાઇ અને પીઆઇ પંડ્યાનું નામ લખાવતાં ફરિયાદ
નોધવાની ના પાડી દીધી હતી.

ઇસનપુર પોલીસે ફરિયાદ નહી નોંધતાં ફરીથી મુનાફ મેમણે હાઇકોર્ટમાં ‌િપ‌િટશન ફાઇલ કરી હતી. હાઇકોર્ટે આરોપી વિરુદ્ધમાં ગુનો બનતો હોય તો ગુનો નોંધી તપાસ કરવા આદેશ કર્યો હતો. હાઇકોર્ટે આપેલા આદેશ બાદ ઇસનપુર પોલીસે ફરિયાદી મુનાફ મેમણ અને તેના ભાઇની અરજી લઇને ગુનો બનતો નથી તેવો ‌િરપોર્ટ તારીખ 1-1-2016ના રોજ કરી દીધો હતો.

મુનાફે ત્રીજી વખત હાઇકોર્ટમાં ‌િપ‌િટશન ફાઇલ કરતાં હાઇકોર્ટે મેટ્રો કોર્ટમાં જઇને પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરવા માટે આદેશ કર્યો હતો. તારીખ 10-3-2016ના રોજ મેટ્રો કોર્ટે પીઆઇ પંડ્યા સહિત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટે આદેશ કર્યો હતો, જેથી તારીખ 22-3-2016ના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. પંડ્યાએ તેમના વિરુદ્ધમાં તથા પોલીસકર્મી લવજીભાઇ અને અન્ય 20થી 25 વ્યકિતઓ વિરુદ્ધમાં લૂંટ, કાવતરું જેવા ગંભીર ગુનાની ફરિયાદ દાખલ કરી હતી.

ચોંકાવનારી વાત એ છે કે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા પછી લગભગ દોઢ મહિના સુધી આ કેસની તપાસ ખુદ આ કેસના આરોપી તથા ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.પંડ્યા સંભાળી રહ્યા હતા, જેથી ફરિયાદીએ કેસની તપાસ એસીપી કે ડીસીપીને સોંપાય તેવી અરજી પોલીસ કમિશનરને કરી હતી, જોકે કોઇ પણ જવાબ નહીં આવતાં ફ‌િરયાદીએ હાઇકોર્ટમાં ‌િપ‌િટશન ફાઇલ કરી હતી, જેમાં હાઇકોર્ટે પોલીસ કમિશનર ‌િશવાનંદ ઝા તથા ઝોન-6ના ડીસીપી આર.ટી.સુસરાને નો‌િટસ ઇશ્યૂ કરીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો.

કોર્ટની નોટીસ પછી આ કેસની તપાસ મણીનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.દેસાઇને સોંપાઇ હતી. મણીનગર પીઆઇ દોઢ મહિના પછી ફરિયાદીનું નિવેદન લઇને હાઇકોર્ટમાં તપાશનીશ અધિકારી તરીકે હાજર થયા હતા. આ કેસમાં આજ‌િદન સુધી કોઇ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આ સિવાય કોઇ તપાસ થઇ નથી.
આ મુદ્દે જે ‌િડ‌િવઝનના એસીપી બી.એમ.ટાંકે જણાવ્યું છે કે પીઆઇ પંડ્યા વિરુદ્ધની તપાસ તાજેતરમાં મણીનગર પીઆઇ એન.એસ.દેસાઇને સોપવામાં આવી છે. પીઆઇ પંડ્યા વિરુદ્ધમાં ‌િડપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૂ કરવામાં આવશે, કારણ કે તેમને યોગ્ય તપાસ નથી કરી.

મણીનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.દેસાઇએ જણાવ્યું છે કે થોડાક દિવસો પહેલાં તપાસ મને સોંપવામાં આવી છે. હજુ સુધી ફરિયાદીના નિવેદન લેવામાં આવ્યાં છે. આરોપીઓની ધરપકડ અને બીજી અન્ય તપાસ બાકી છે.

કયો ગુનો દાખલ
આઇપીસી 166 અને 217 મુજબ કાયદાના આદેશની અવગણના કરવી, આઇપીસી 218 મુજબ કોઇ પણ વ્યકિતને શિક્ષામાંથી બચાવવા માટે રાજ્ય સેવકે ખોટું રેકર્ડ કે લખાણ બનાવવું, આઇપીસી 219 ન્યા‌િયક કાર્યવાહીમાં રાજ્ય સેવકે અનૈતિક રીતે કાયદાથી વિપરીત હોવાનું જાણતો હોય તેવો હુકમ ‌િરપોર્ટ ફેંસલો કે ‌િનર્ણય કરવો, આઇપીસી 395 ધાડ, આઇપીસી 452 હુમલો કરવાની તૈયારી સાથે પૂર્વ પ્રવેશ, આઇપીસી 457 ઘરફોડ ચોરી, આઇપીસી 463 અને 465 ખોટો દસ્તાવેજ બનાવવો, આઇપીસી 467માં ખોટો દસ્તાવેજો ઊભા કરવા, આઇપીસી 120 (બી) કાવતરું ઘડવું જેવી અન્ય કલમો લગાવવામાં આવી છે.

You might also like