જેડીયુના ધારાસભ્ય સરફરાઝ સામે છેડતી કર્યાની ફરિયાદ

પટણા: રાજધાની અેકસપ્રેસમાં મુસાફરી કરતી અેક મહિલાની જેડીયુના ધારાસભ્ય સરફરાજ આલમે છેડતી કર્યાના આરાેપસર મહિલાના પતિઅે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ધારાસભ્ય સામે કેસ દાખલ કર્યો છે. આ અંગેની ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે ગત રવિવારે ૧૨૪૨૩ દિબ્રૂગઢ રાજધાની અેકસપ્રેસના અે ૪ કોચમાં ઈન્દ્રપાલસિંહ બેદી તેમનાં પત્ની સાથે નવી દિલ્હી જઈ રહ્યાં હતાં ત્યારે તેમની સાથે મુસાફરી કરતા ધારાસભ્ય સરફરાજ આલમે નશો કરેલી હાલતમાં ઈન્દ્રપાલની પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

પટણાના પોલીસ વડા(રેલવે) પી.અેન. મિશ્રાઅે જણાવ્યું કે બેદીનાં પત્નીનાં નિવેદનને આધારે પટણા રેલવે મથકમાં આઈપીસી કલમ ૩૪૧, ૩૨૩, ૨૯૦,૫૪૦ અને ૩૫૪અે મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં જેની સામે ફરિયાદ દાખલ થઈ છે તે સરફરાજ આલમ કિશનગંજના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન તસ્લીમુદીનનો પુત્ર છે. તે બિહારના જોકીહાટ વિસ્તારના જેડીયુના ધારાસભ્ય છે. તેમની સામે અનેક ગુનામાં કેસ દાખલ થયા છે.

You might also like