ફીનલેન્ડ સરકારે વેસ્ટ મેનેજમેન્ટ સહિતના ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ કરવા તૈયારી દર્શાવી

અમદાવાદ: મુંબઈ ખાતે યોજાઈ રહેલા મેઈક ઈન ઈન્ડિયા વીકના પ્રથમ દિવસે ગુજરાત સરકારે ફીનલેન્ડ સરકાર સાથે જીએસએફસી યુનિવર્સિટી અંગે કરાર કર્યા હતા. મુંબઈ બીકેસી સોફીટેલ હોટલ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના નેતૃત્ત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે ફીનલેન્ડના વડાપ્રધાન જુહા સિપીલાના પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાતમાં વેસ્ટ મેનેજમેન્ટ, ઊર્જા, આરોગ્ય તેમજ શિક્ષણમાં ટેકનોલોજી ક્ષેત્રમાં રોકાણ કરવા અંગે વિસ્તૃત મંત્રણાઓ કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મુંબઈ નેશનલ સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મેઈક ઈન ઈન્ડિયા વીક કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ફીનલેન્ડના પ્રતિનિધિ મંડળને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું હતું. તેમણે વડોદરા મહાનગર પાલિકા સાથે વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે તકનિકી જ્ઞાનના આદાન-પ્રદાન માટે ગુજરાત સરકાર, મહાનગરપાલિકા અને ફીનલેન્ડના પ્રતિનિધિઓ સાથે તાકીદની બેઠક કરશે, તેમ પણ જણાવ્યું હતું.ફીનલેન્ડના વડાપ્રધાન જુહા સિપીલાએ બિન પરંપરાગત ઊર્જા, આઈટી, આરોગ્યક્ષેત્ર, શિક્ષણક્ષેત્રે ટેકનોલોજી અને તાલીમ, માઈન ઈન્ડસ્ટ્રીઝ, ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ, શીપ બિલ્ડિંગ ક્ષેત્રમાં ભાગીદાર બનવા તેમના દેશના ઉદ્યોગકારો ગુજરાતમાં રસ દાખવે છે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં વાઈબ્રન્ટ સમિટ દ્વારા વૈશ્વિક ઉદ્યોગકારોને ગુજરાતમાં વિશાળ તકો પૂરી પાડી છે. ગુજરાતે પ્રો-એક્ટિવ બનીને ઉદ્યોગકારો માટે બ્લ્યૂ પ્રિન્ટ આપી છે. ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારો અને માળખાકીય સુવિધા સાથે બંદરોની ઉત્તમ વ્યવસ્થા છે.

મુખ્યમંત્રીએ સાઈબર સિક્યુરિટી ક્ષેત્રે ટૂલ્સ એન્ડ ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે ભાગીદાર બનવા ફીનલેન્ડ સરકારને આમંત્રણ આપ્યું હતું.ફીનલેન્ડના વડાપ્રધાન જુહા સિપીલાએ ગુજરાતમાં બિન પરંપરાગત ઊર્જા ક્ષેત્રે વિપુલ તકો રહેલી હોવાનું જણાવી, આ ક્ષેત્રમાં રોકાણની તત્પરતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણની દૃષ્ટિએ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે તેમનો દેશ બહોળો અનુભવ ધરાવે છે.

You might also like