પાક.ની ભૂમિકા જણાશે તો શાંતિપ્રક્રિયા રોકવા ભાજપનો સંકેત

નવી દિલ્હી : ભાજપે ગઈકાલે એવો સંકેત આપ્યો હતો કે પઠાણકોટમાં થયેલા આતંકી હુમલાને પાકિસ્તાન તરફથી ટેકો હોવાનું જણાશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશ સાથે શાંતિ માટે નવેસરથી કરેલી પહેલને વિપરીત અસર થશે. વિદેશ સચિવ સ્તરની બેઠકના કાર્યક્રમમાં હજુ સુધી કોઈ ફેરફાર નથી પરંતુ પાકિસ્તાન આ હુમલા અંગે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેના પર કાર્યક્રમમાં ફેરફારનો આધાર રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ હુમલા બાદ નવાઝ શરીફ સરકાર ભારતીય સત્તાવાળાઓને કેવી રીતનો સહકાર આપે છે તેના પર વાટાઘાટોમાં આગળ વધવું કે નહીં તેનો આધાર રહેશે. આતંકી હુમલાની ભારત-પાક. વાટાઘાટો પર સંભવિત અસર વિશેના પ્રશ્નના જવાબમાં પક્ષના મહામંત્રી શ્રીકાંત શર્માએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

અને તેમા પણ ખાસ કરીને પાકિસ્તાન તરફથી ઉદ્ભવતા આતંકના મુદ્દે આતંક અંગે ભાજપે પરંપરાગત રીતે સખત વલણ અપનાવેલું છે. આતંકના મુદ્દે કોઈ પણ પ્રકારની ઢીલાશને હવે યુ-ટર્ન સમાન ગણાશે. તેથી આતંકી હુમલો અને શાંતિ પ્રક્રિયા સાથે સાથે ચાલી શકે નહીં.

ભાજપે હુમલાને વખોડી કાઢ્યો હતો અને એરબેઝ ખાતે આતંકી હુમલાને નિષ્ફળ બનાવવા બદલ સુરક્ષા દળોની પ્રશંસા કરી હતી.

You might also like