72 કલાકમાં હત્યારાઓને ઠાર નહીં કરો તો હું બંદૂક ઉઠાવીશઃ મહંમદ લતીફ

પુંચ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સેનાના જવાન ઔરંગઝેબની આતંકવાદીઓએ હત્યા કરી હતી તેના આઘાતમાં સરી પડેલા ઔરંગઝેબના પૂર્વ સૈનિક પિતાએ વડા પ્રધાન મોદીને પાઠવેલો સંદેશમાં જણાવ્યું છે કે જો ૭૨ કલાકમાં મારા પુત્રના હત્યારાઓને ઠાર કરવામાં નહીં આવે તો હું જાતે જ બંદૂક ઉઠાવી તે હત્યારાઓને ઠાર કરી નાખીશ.

શહીદ ઔરંગઝેબના પિતા કે જેઓ પૂર્વ સૈનિક છે. તેમણે વસવસો વ્યકત કરતાં જણાવ્યું હતું કે વર્તમાન સરકાર તેની ખુરશી બચાવવા ગમે તે હદ સુધી જઈ શકે છે. મેં મારા પુત્રને ગુમાવ્યો છે. જે કંઈ ગુમાવ્યું છે તે મેં ગુમાવ્યું છે. આજે જે અધિકારીઓ અને નેતાઓ મને મળવા આવે છે તેઓ એક-બે દિવસ બાદ આવતા બંધ થઈ જશે અને હવે મારો પુત્ર કયારેય પાછો આવવાનો નથી.

તેથી જે લોકોએ મારા પુત્રને માર્યો છે તેમને તાત્કાલિક ઠાર કરવામાં આવે અને જો તેમ નહિ થાય તો મને તમામ પ્રકારનાં હથિયાર ચલાવતાં આવડે છે. તેથી હું જાતે જ આતંકીઓને ઠાર કરી નાખીશ.

શહીદ જવાન ઔરંગઝેબે હિઝબુલ કમાન્ડર સમીર ટાઇગરને મારી નાખ્યો હતો. ઔરંગઝેબ ૪૪ રાષ્ટ્રીય રાઇફલ્સમાં રાઇફલમેન તરીકે શોપિયા જિલ્લામાં ફરજ બજાવતા હતા. તેઓ ઇદની રજા લઇને ઘરે જઇ રહ્યા હતા ત્યારે આતંકીઓએ ઔરંગઝેબનું અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેમની હત્યા કરવામાં આવી હતી. ‍ઔરંગઝેબ એ‌િન્ટટેરર ગ્રૂપના સભ્ય હતા.

પુલવામા અને આસપાસના વિસ્તારમાં આતંકીવાદીઓ ખૂબ સક્રિય છે. આતંકવાદીઓએ બુધવારે મોડી સાંજે જ એક સ્થાનિક નાગરિક અને પોલીસકર્મીનું પણ અપહરણ કરી લીધું હતું. આ બંનેના હજુ સુધી કોઇ સુરાગ મળ્યા નથી. આતંકવાદીઓએ જવાનની હત્યા પહેલાં તેનો વીડિયો બનાવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરને હિઝબુલના આતંકવાદીઓનો ગઢ માનવામાં આવે છે. ગત મહિનામાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ હિઝબુલના મોટા કમાન્ડરને ઠાર કર્યા હતા. ત્યારબાદ હિઝબુલના આતંકવાદીઓ ફફડી ગયા હતા. સેનાએ આ જવાનને છોડાવવા મોટું ઓપરેશન હાથ ધર્યું હતું પણ તેઓ તેને બચાવી શક્યા ન હતા.

આતંકીઓએ ગોળી મારતાં પહેલાં વીડિયો બનાવ્યો
આતંકવાદીઓએ જવાનની હત્યા પહેલાં તેનો વીડિયો બનાવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. આ વીડિયોમાં ઔરંગઝેબ બ્લેક કલરના ટીશર્ટ અને ‌જિન્સમાં જોવા મળી રહ્યો છે. તેને ઝાડ સાથે બાંધવામાં આવ્યો છે. આતંકીઓએ તેના પિતાનું નામ અને પોસ્ટિંગ વિશે સવાલ કર્યા હતા.

તેને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે શું તે તાલ્હા રાશિદ, મોહમ્મદ અને વસીમના એન્કાઉન્ટરમાં સામેલ હતો. તાલ્હા, વસીમ અને મોહમ્મદનું નવેમ્બર-૨૦૧૭માં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તાલ્હા જૈશના મુખિયા મસૂદ અઝબરનો ભત્રીજો હતો.

You might also like