નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ઃ સ્થાનિક બજારમાં ગમ જ્યાદા, ખુશી કમ

અમદાવાદ: નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ આજે પૂરું થઇ રહ્યું છે. સ્થાનિક બજારના મોટા ભાગના વેપાર-ઉદ્યોગના કારોબારના અગ્રણીઓના કહેવા પ્રમાણે પાછલું એક વર્ષ કારોબાર જગત માટે ખુશી ઓછી, ગમ વધુ હોવાનું જણાયું છે.

• ટેક્સટાઈલ બજારઃ
ચેન્નઇની કુદરતી આફત તો બીજી બાજુ જાટ આંદોલનને કારણે કાપડ બજારને ભારે નુકસાન થયું. સમયસર પેમેન્ટ નહીં મળતાં તથા દિવાળીમાં પણ કામકાજના અભાવે કાપડ બજારમાં મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતના જણાવ્યા પ્રમાણે કાપડ બજારમાં મંદી જેવો જ માહોલ પ્રવર્તી રહ્યો છે.

• જ્વેલરી બજારઃ
પાછલા એક મહિનાથી એક્સાઇઝને લઇને શહેર સહિત રાજ્યભરના જ્વેલર્સ હડતાળ પર છે. કારોબાર જગતને એક અંદાજ મુજબ ૯,૦૦૦ કરોડથી વધુનું નુકસાન થઇ ચૂક્યું છે ત્યારે જ્વેલરી બજારમાં પણ જ્વેલર્સ ધંધા ખૂબ જ નબળા હોવાનું જણાવી રહ્યા છે. અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણી રોહિત ચોક્સીના જણાવ્યા પ્રમાણે હડતાળના કારણે જ્વેલરીના કારોબારને ભારે નુકસાન થયું છે.

• શેરબજારઃ
પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે રિટર્ન આપવાની બાબતમાં શેરબજાર નવ ટકા ઊંણું ઊતર્યું છે. જેના પગલે શેરબજારના રોકાણકારો પણ ધોવાયા છે.

• કોમોડિટી બજારઃ
ચાલુ વર્ષે મોટા ભાગની એગ્રી કોમોડિટીના ભાવમાં ૩૦થી ૫૦ ટકા સુધીનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. કાલુપુર વેપારી એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ઊંચા ભાવને કારણે લોકોની ખરીદશક્તિમાં પણ અસર જોવા મળી છે.

• નાના ટ્રેડર્સ મુશ્કેલીમાંઃ
ઇ-કોમર્સ કંપનીનો કારોબાર ઊંચો હોવાને કારણે નાના વેપારીઓ આમેય આર્થિક મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે ત્યારે સરકારે તાજેતરમાં જ આ સેક્ટરમાં ૧૦૦ ટકા એફડીઆઇને મંજૂરી આપતાં તેમની મુશ્કેલીમાં પણ વધારો થશે તેવો મત વ્યક્ત કરાઇ રહ્યો છે.

You might also like