ગુંડાઓને નાયકનો તાજ શા માટે?

‘બનિયે કા દિમાગ, મિયાંભાઈ કા ડેરિંગ’

આવા કેટલાક ધારદાર સંવાદોથી ભરચક ફિલ્મ ‘રઈસ’નું ટ્રેલર તમામ લોકોને પ્રભાવિત કરી રહ્યું છે. કેવી રીતે એક બુટલેગર અને અસામાજિક તત્ત્વ ગુજરાતમાં પોતાનું સામ્રાજ્ય જમાવે છે, નેતાને પોલીસ અધિકારીની બદલી કરવાનો  આદેશ આપે છે તેમજ પોતાનું રાજ ચલાવે છે તેવું બે-ત્રણ મિનિટના ટ્રેલરમાં દર્શાવાયું છે.

ફિલ્મની કથાવસ્તુને લઈને સર્જાયેલા કેટલાક વિવાદો બાદ તેના સર્જકો ભલે સ્વીકારવા તૈયાર ન હોય કે આ ફિલ્મ અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર અબ્દુલ લતીફના જીવન પર આધારિત છે. બુટલેગિંગ અને નાનામોટા અપરાધ કરતી એક વ્યક્તિએ કેવી રીતે અમદાવાદ શહેર, પોલીસ તંત્ર અને રાજકારણીઓમાં પોતાનો ભય ફેલાવ્યો હતો તે વાતથી સૌ કોઈ વાકેફ જ છે. પહેલાં દાઉદ ઈબ્રાહીમનો દુશ્મન અને પછી તેના સાથીદાર તરીકે તેણે ઘણાં કામ પાર પાડ્યાં હતાં. ૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટમાં દાઉદ ઈબ્રાહીમની સંડોવણી બહાર આવી હતી લતીફનું નામ કોઈ આરોપી તરીકે બહાર આવ્યું નહોતું, પરંતુ લતીફની ધરપકડ બાદની પૂછપરછમાં તેણે સ્વીકાર્યું હતું કે વર્ષ ૧૯૯૩ અને ૧૯૯૪ દરમિયાન તે કરાંચીમાં હતો અને દાઉદ સાથે તેની મુલાકાત લગભગ રોજિંદા ધોરણે થતી હતી.

અમદાવાદ હોય કે મુંબઈ, ગુંડાઓ અને અસામાજિક તત્ત્વો તેના વિસ્તાર માટે તો મસીહા સમાન જ હોય છે. સ્થાનિકોને તે હંમેશાં મદદ કરે છે, કારણ કે સંકટ સમયે તેમને બચવા માટે ટોળાના બળનો અથવા પોતાને નિર્દોષ સાબિત કરવા લોકોની સહાનુભૂતિની જરૂર હોય જ છે. લતીફના પુત્ર મુસ્તાક શેખે ફિલ્મનિર્માણ દરમિયાન પણ નિર્માતા અને દિગ્દર્શકોને ચેતવ્યા હતા કે આ ફિલ્મ દ્વારા તેના પિતાના જીવન પર તેઓ અનેક આક્ષેપો કરી રહ્યા છે. તેણે એવી પણ ચીમકી આપી છે કે ફિલ્મ રિલીઝ થઈ જાય પછી તે નિર્માતાઓ વિરુદ્ધ કોર્ટકેસ કરશે. નિર્માતા અને દિગ્દર્શકોએ તેમનો બચાવ એવી રીતે કર્યો હતો કે ફિલ્મનું મુખ્ય પાત્ર કોઈ વ્યક્તિ પરથી નથી તૈયાર કરવામાં આવ્યું, માત્ર ગુજરાતની પૃષ્ઠભૂમિ આ ફિલ્મમાં બતાવાઈ છે.

વાત માત્ર ‘રઈસ’ ફિલ્મ પૂરતી જ નથી, બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મો છે જેમાં અસામાજિક તત્ત્વોને નાયક તરીકે દર્શાવાયાં હોય. હકીકતમાં આવી ફિલ્મો જનમાનસમાં એવી માન્યતા ફેલાવે છે કે દરેક ગુંડામાં એક સારી વ્યક્તિ છુપાયેલી હોય છે. આવાં તત્ત્વોને એટલાં બધાં હકારાત્મક બતાવાય છે કે થોડાક હાનિકારક વિચારો ધરાવતા અમુક યુવાનોને તેની તરફ આકર્ષણ જન્મે છે. આવાં તત્ત્વોને ભલે મસીહા બતાવાયાં હોય પરંતુ તેના આતંક અને દાદાગીરીના જે લોકો સાક્ષી કે ભોગ બન્યા હોય તે સાચી પરિસ્થિતિથી વાકેફ જ હોય છે.

ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક અતુલ પટેલ કહે છે કે, “કોઈ ગુંડા કે અસામાજિક તત્ત્વને હીરો તરીકે દર્શાવવા એ નીંદનીય બાબત જ છે, કારણ કે ફિલ્મોની પણ એક સામાજિક જવાબદારી હોય છે. ફિલ્મો એ સમાજનું દર્પણ છે અને દર્પણમાં સારી અને ખરાબ બંને બાબતો દેખાવાની જ છે.”

અમિતાભની ‘ડોન’ કે ‘અગ્નિપથ’ જેવી ફિલ્મોમાં તો કાલ્પનિક વાર્તાઓ જ હતી પરંતુ ‘સત્યા’ અને ‘કંપની’ જેવી ફિલ્મોએ ગુંડાઓ અને ગેંગસ્ટર્સને ગ્લેમરસ ચહેરો આપ્યો. વર્ષ ૧૯૯૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો બાદ દાઉદ ઈબ્રાહીમ સમગ્ર ભારતમાં ચર્ચાતું નામ બન્યું. બાદમાં તેને કેન્દ્રમાં રાખીને ‘કંપની’, ‘ડી’,’ શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’, ‘શૂટઆઉટ  એટ વડાલા’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ રિટર્ન્સ’ વગેરે ફિલ્મોમાં કહી શકાય છે કે તેમાં દાઉદ ઈબ્રાહીમનો સંદર્ભ દર્શાવાયો છે. ઉપરાંત તેના પાત્રને એટલું હકારાત્મક અને પ્રભાવશાળી બતાવાય છે કે મોટાભાગના લોકો તેનાથી આકર્ષાય.

જાણીતા મનોચિકિત્સક ડૉ. પ્રશાંત ભીમાણી કહે છે કે, “અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વ્યક્તિની સારી બાબતો દર્શાવી તેને નિર્દોષ ક્યારેય સાબિત ન કરી શકાય. નાના ગુનેગારોને તો આવી ફિલ્મોમાંથી પ્રેરણા મળે જ છે પરંતુ જલદીથી કોઈના પ્રભાવમાં આવી જતી વ્યક્તિઓ માટે પણ આવી ફિલ્મો ભયસ્થાન ગણી શકાય.”

નાના ગુનેગારોને મોટી પ્રેરણા

આવી ફિલ્મોમાં જે રીતે ગુંડાઓને નાયક તરીકે દર્શાવાતા હોય છે તે જોઈને નાના ગુનાઓથી સંકળાયેલી કોઈ વ્યક્તિ શું વિચારતી હશે ? તે વ્યક્તિને તો કદાચ વધુ ગુનાઓ કરવાની પ્રેરણા મળતી હશે, કારણ કે તેને ફિલ્મમાં એવું જ જોવા મળે છે કે જો તે થોડા વધુ જોખમો ઉઠાવી નામ કમાશે તો પોલીસ અને કાયદો બંને તેની સામે વામણાં પુરવાર થશે. ફિલ્મોમાં આવી પરિસ્થિતિ દર્શાવવામાં આવતી હોવાથી જે ગુનેગાર ગુનાની દુનિયાની છોડી સજ્જન થવા મથતો હશે તે પણ વધુ મહત્ત્વાકાંક્ષા સાથે ગુનાઈત પ્રવૃત્તિઓ કરતો થઈ જશે.

You might also like