દીવમાં હથિયારો સાથે શુટીંગ કરવું કલાકારોને પડ્યું ભારે, સુરજ પંચોલીની અટકાયત

દીવ: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ફિલ્મનું શુટીંગ કરવા આવેલા કેટલાક કલાકારોને શુટીંગ કરવુ ભારે પડી ગયું. ટર્નિંગ પોઈન્ટ નામના ફિલ્મનું શુટીંગ કરી રહેલા કેટલાક કલાકારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી, અને તેનું કારણ એ હતું કે કલાકારો આતંકીઓના વેશમાં હતા.

દીવના નાગવા એરપોર્ટ રોડ પર આ શુટીંગ ચાલી રહ્યું હતું. જેમાં મીની ટેમ્પોની છત પર 3 કલાકારો આતંકીઓ બનીને ખુલ્લેઆમ હથિયારો લઈને જતા હતા. આવા દ્રશ્યો જોતા જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તરત જ પોલીસને જાણ કરી.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખને ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું હોવાની જાણ ન હતી. આથી પોલીસને જાણ કરતા પીએસઆઈ તથા પોલીસકર્મીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો, અને ફિલ્મી ઢબે મીની ટેમ્પોને ઓવર ટેક કરી તેને અટકાવ્યો. ત્યાર બાદ ફિલ્મના હીરો સુરજ પંચોલી સહિત તમામ કલાકારોની અટકાયત કરી અને તેમના હથિયારો પણ જપ્ત કર્યા.

જો કે પૂછપરછમાં હકીકતનો પર્દાફાશ થતા પોલીસે તમામ કલાકારોને થોડા સમય બાદ મુકત કર્યા. પૂછપરછમાં કલાકારોએ જણાવ્યું કે તેઓ ફિલ્મના શુટીંગ માટે દીવ આવ્યા છે અને તેની મંજૂરી પણ તંત્ર પાસે લીધેલી છે, અને જે હથિયારો છે તે બનાવટી છે.

જો કે પોલીસનો સવાલ હતો તે શુટીંગ ચાલી રહ્યું હતું તો પછી ઘટના સ્થળે કેમેરા કેમ ન હતો. ઉપરાંત જાહેર રોડ પર આવી રીતે શુટીંગ કરવાની પરમિશન ન હતી. જેનો જવાબ આપતા ફિલ્મના ડાયરેકટરે કહ્યું કે આતંકીઓ વિદ્યાર્થીઓનું અપહરણ કરે છે તેવા શોટ્સ માટેનું આ રિહર્સલ હતું. ડાયરેકટર સુધીર ટંડેલે પોલીસ પાસે માફી માગી અને મામલો થાળે પડયો.

You might also like