Film Review: ‘ફેન’

યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી અને અાદિત્ય ચોપરા નિર્મિત ફિલ્મ ‘ફેન’ના ડિરેક્ટર મનીષ શર્મા છે અને સંગીત વિશાલ શેખરે અાપ્યું છે. ફિલ્મમાં શાહરુખ ખાન, વાણી કપૂર, ઈલિયાના ડીક્રૂઝ, શ્રેયા પિલગાંવકર જેવા કલાકારો છે. ‘ફેન’ની કહાણી છે ગૌરવ (શાહરુખ ખાન)ની. તેની ઉંમર ૨૦ વર્ષની અાસપાસ છે. તેની દુનિયા મેગા મૂવીસ્ટાર અાર્યન ખન્ના (શાહરુખ ખાન)ની અાસપાસ ફરે છે. ગૌરવ અાર્યનનો બહુ મોટો ફેન છે. તે અાર્યનને પોતાનો ભગવાન માને છે.

દિલ્હીની ગલીઓમાંથી નીકળીને ગૌરવ સપનાના શહેર મુંબઈમાં પહોંચી જાય છે, જેથી તે પોતાના ભગવાનને જન્મદિવસની શુભેચ્છા અાપી શકે. અાર્યનના અા સૌથી મોટા ફેનનો ચહેરો શાહરુખ સાથે મળતો અાવે છે. જ્યારે ગૌરવની યોજના અનુસાર કંઈ બનતું નથી ત્યારે ગૌરવનો પોતાના ભગવાન પ્રત્યેનો પ્રેમ ખતરનાક ઝનૂનમાં બદલાઈ જાય છે. તે પોતાની સીમાઓ ભૂલી જાય છે. ગૌરવ અને અાર્યનના વ્યક્તિત્વને અા ફિલ્મ ખોલીને સામે લાવે છે. અા બંને જાણતા નથી કે તેમની અંદર શું છુપાયેલું છે.

દર્શકો વિચારી પણ નહીં શકે કે કોના પ્રત્યે હમદર્દી વ્યક્ત કરે, કોનો પક્ષ લે. અાખરે દરેક સુપરસ્ટાર માણસ હોય છે. અાપણામાંથી દરેક વ્યક્તિ ફેન પણ હોય છે. શાહરુખે અા ફિલ્મ અંગે જણાવ્યું કે ‘ફેન’માં તેણે ભજવેલું પાત્ર ‘બાજીગર’ અને ‘ડર’માં તેણે ભજવેલા પાત્ર કરતાં અલગ છે. મનીષ શર્માના નિર્દેશનમાં બનેલી અા ફિલ્મમાં શાહરુખ ડબલ રોલમાં છે. અા ફિલ્મમાં શાહરુખનો રોલ સાવ અલગ છે. ફિલ્મની કહાણી એક સાધારણ અને માસૂમ છોકરાની છે, જે પોતાના ફેવરિટ ફિલ્મસ્ટારને મળવા ઈચ્છે છે. •

You might also like