Film Review : ‘ધનક’

નિર્માતા મનીષ મુંદડા, નાગેશ કુકુનૂર અને ઇલાહે ફિપતુલ નિર્મિત ફિલ્મ ‘ધનક’નું નિર્દેશન નાગેશ કુકુનૂરે કર્યું છે. ફિલ્મનું સંગીત તાપસ રેલિયાએ આપ્યું છે. ફિલ્મમાં હેતલ ગઢા, કૃષ છાબડિયા, રાજીવ લક્ષ્મણ, વિ‌િપન શર્મા, ફ્લોરા સૈની, વિભા છિબ્બર, સંજના સિંહ, સુરેશ મેનન, વિજય મૌર્ય, ઋષિ દેશપાંડે અને સ્વસ્તિકરામ ચૌહાણ જેવા કલાકારો છે.
આ ફિલ્મની કહાણી રાજસ્થાનના એક નાનકડા ગામનાં બે અનાથ બાળકોની છે. લગભગ આઠ વર્ષનો એક નાનકડો બાળક છોટુ (કૃષ છાબડિયા) જે તોતડો છે અને જોઇ શકતો નથી. તે શાહરુખ ખાનનો બહુ મોટો ફેન છે. બીજી લગભગ ૧૨-૧૩ વર્ષની એક બાળકી પરી (હેતલ ગઢા) છે, જે અંધ બાળકની બહેન છે અને ભાઇની નજર પરત અપાવવાનો મનમાં નિશ્ચય કર્યો છે. આ બાળકી પોતાના ભાઇને આંખો પાછી અપાવવા પરિશ્રમ કરી રહી છે, પરંતુ તેનું કોઇ પરિણામ મળતું નથી. એક દિવસ ફિલ્મના પોસ્ટર સામે ઊભાં ઊભાં તેના મગજમાં એક વિચાર આવે છે. તે પોતાના ભાઇની આંખો પાછી અપાવવા શાહરુખ ખાનને કહે તો? પરી સુપરસ્ટાર શાહરુખ ખાનના આઇ ડોનેશન બ્રાઇટ પોસ્ટરને જોઇને પોતાના ભાઇ છોટુને વચન આપે છે કે તે નવમા જન્મદિવસ પહેલાં જોતો થઇ જશે.
પોતાનો આ વાયદો પૂરો કરવા તે રાજસ્થાનથી મુંબઇ સુધી સફર કરે છે, જેથી તે શાહરુખને મળી પોતાના ભાઇનો ઇલાજ કરાવી શકે. એમ પણ આપણા દેશમાં એવી પરંપરા છે કે સચીન, ધોની સહિત હસ્તીઓના ચાહકો માટે તે હસ્તીઓ તો શું, પરંતુ સરકાર પણ મદદ કરવા તત્પાર હોય છે. આ નાનકડી ઉંમરનાં ભાઇ-બહેનની કહાણીમાં ટ્વિસ્ટ આવે છે. બાળકીને એક દિવસ ન્યૂઝપેપરના માધ્યમથી જાણ થાય છે કે શાહરુખ પોતાની ફિલ્મના શૂટિંગ માટે રાજસ્થાન આવ્યો છે. આમ, ફિલ્મની કહાણી આગળ વધે છે. •

You might also like