શરીરે બચકાં ભરીને ૩૦ જેટલી લૂંટ કરનાર બાબુ ગેંગના ચાર પકડાયા

અમદાવાદ: અમદાવાદની રામોલ પોલીસે લૂંટના ગુનાને અંજામ આપતી બાબુ ગેંગના ચાર સાગરીતોને ૧.ર૬ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પોલીસની પૂછપરછમાં બાબુ ગેંગના સાગરીતોએ શહેરમાં ૩૦ જેટલી લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેંગ ભોગ બનનારના શરીર પર બચકાં ભરીને તેમની પાસે રહેલા રૂપિયા, દાગીના તથા મોબાઇલ ફોનની લૂંટ ચલાવીને ફરાર થઇ જતી હતી.

રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ થોડાક સમય પહેલાં ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક ઇસમો શરીરે ગડદાપાટુનો મારમારી તથા શરીરે બચકાં ભરીને રૂ.રપ,૦૦૦ની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા છે. ફરિયાદના આધારે તપાસ કરતાં પોલીસને આ લૂંટ પાછળ બાબુ ગેંગના સાગરીતોનો હાથ હોવાનું ખૂલ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે બાબુ ગેંગના ચાર સાગરીતો બાબુભાઇ, રાજ પરમાર, અલ્પેશ ઠાકોર અને ઘનશ્યામ ભાવસાર રામોલ દેશમુખ સરિતા ઉદ્યાનમાં લૂંટનો માલ વહેંચી રહ્યા છે, જેના આધારે દરોડા પાડીને તમામને પકડી પાડ્યા હતા.

આરોપીઓ પાસેથી પોલીસે આઠ મોબાઇલ, બે મોટરસાઇકલ, રૂ.ર૦,૦૦૦ રોકડા, બે છરી સહિત કુલ ૧.ર૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પૂછપરછ દરમિયાન આરોપીઓએ એક વર્ષમાં ૩૦ જેટલી લૂંટ કરી હોવાનું કબૂલ્યું હતું. હાલ પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર વિશાલ ઠક્કરને પકડવા તજવીજ હાથ ધરી છે.

You might also like