નવા વર્ષમાં FIIની પીછેહઠથી માર્કેટમાં ઊથલપાથલનાં એંધાણ

મુંબઇ: વિદેશી રોકાણકારો હવે ઇમર્જિંગ માર્કેટમાં રોકાણ કરતાં ખચકાટ અનુભવી રહ્યા છે અને તેથી નવા વર્ષમાં શેરબજારમાં મોટી ઊથલપાથલ સર્જાઇ શકે છે. રૂપિયામાં નબળાઇ અને રિફોર્મની ટ્રેનને બ્રેક લાગતાં ભારતની બાબતમાં એફઆઇઆઇ સેન્ટિમેન્ટ નબળું પડી શકે છે, જોકે આગામી મહિનામાં મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક પર ફોકસ બની રહેશે.
જ્યાં સુધી ઘરેલુ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા રહેશે ત્યાં સુધી મિડકેપ અને સ્મોલકેપ સ્ટોકમાં તેજી જળવાઇ રહેશે. આ વર્ષે શેરબજારની શાનદાર શરૂઆત થઇ હતી, પરંતુ અંત નબળાઇ સાથે થઇ રહ્યો છે. આ વર્ષે સેન્સેક્સે ૩૦ હજારની અને નિફ્ટીએ ૯ હજારની સપાટી વટાવી હતી અને બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સ નવી ઊંચાઇએ પહોંચ્યા હતા, પરંતુ ગઇ સાલની તુલનાએ હવે તેમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ વર્ષમાં એફઆઇઆઇએ ભારતમાં ૧૭,૭૬૧ કરોડ રોક્યા છે, પરંતુ ૨૦૧૧ બાદ આ સૌથી ઓછું રોકાણ છે. જૂન બાદ એફઆઇઆઇએ ભારતીય બજારમાંથી ૩૦,૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા છે.  બ્રોકર્સનું કહેવું છે કે વિદેશી રોકાણકારો નવા વર્ષમાં પણ પોતાનાં નાણાં પરત ખેંચવાનું ચાલુ રાખી શકે છે, કારણ કે અમેરિકામાં વ્યાજદર હજુ વધવાના અણસાર છે. આમ, ડોલરની તુલનાએ રૂપિયો નબળો પડશે.

એડલવાઇસ ગ્રૂપના ચેરમેન અને સીઇઓ રસેશ શાહનું કહેવું છે કે નવા વર્ષમાં ઇક્વિટી અને કરન્સી માર્કેટમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેશે. ઇમર્જિંગ માર્કેટ ઇન્વેસ્ટર્સને ચીનમાં પણ આર્થિક શુષ્કતાનો ડર સતાવી રહ્યો છે. તેમનું કહેવું છે કે તેનાથી એશિયાઇ દેશોનાં સેન્ટિમેન્ટ બગડી શકે છે. બીજું જીએસટી પાસ નહીં થવાથી વિદેશી રોકાણકારો નિરાશ છે.

You might also like