સિંધુ ભવન રોડ પરના નીલકંઠ ગ્રીનવિલા બંગલોના મંદિરમાંથી મૂર્તિઓ ચોરાઇ

અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તાર એવા સિંધુ ભવન રોડ પર આવેલા વૈભવી એવા નીલકંઠ ગ્રીનવિલા બંગલોમાં મોડી રાતે બે તસ્કરોએ ત્રાટકી બંગલાની બહાર આવેલા મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ અને દાન પેટી સહિત રૂ. 70000ની મતા ચોરી ગયા હતા. બંને તસ્કરો બંગલોમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગયા હતા. બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સિંધુ ભવન રોડ પર નીલકંઠ ગ્રીનવિલા બંગલોમાં 15 નંબરના બંગલોમાં મનીષભાઈ શાહ રહે છે. તેમના બંગલાની બહાર ગાર્ડન પાસે એક મંદિર બનાવેલું છે. સોમવારે મોડી રાતે આ બંગલોમાં તસ્કરો ત્રાટક્યા હતા.
તસ્કરો બંગલોમાં લાઈટ ન હોવાનો લાભ લઇ મનીષભાઈના બંગલાની બહાર આવેલ મંદિરમાં ઘૂસી અને ચાંદીની મૂર્તિઓ, પંચધાતુની મૂર્તિઓ અને દાન પેટીમાંથી રોકડ રકમ સહિત રૂ. 70000ની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

વહેલી સવારે આ અંગે બંગલાના રહીશોને જાણ થતાં તેઓએ બંગલોમાં લાગેલા સીસીટીવી ચેક કરતાં બે અજાણ્યા શખસો ચોરી કરવા ઘૂસતાં નજરે પડ્યા હતા. આ અંગે તેઓએ પોલીસને જાણ કરતાં બોપલ પોલીસ દોડી આવી હતી.
બંગલોમાંં રહેતા સ્થાનિકના જણાવ્યા મુજબ સોમવારે મોડી રાતે લાઈટ જતી રહી હતી તેનો લાભ લઇ અને આ તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. મંદિરની બાજુમાં આવેલા બંગલામાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ તસ્કરો કેદ થયા હતા. થોડા સમય અગાઉ પણ આ જ બંગ્લોઝમાં બેથી ત્રણ મકાનોમાં ચોરીના બનાવ બન્યા હતા. ચડ્ડી બનિયાનધારી ગેંગ હોવાની શક્યતા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

બોપલ પોલીસે મનીષભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. વૈભવી બંગલોમાં સીસીટીવી અને સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં ચોરીનો બનાવ બનતાં અનેક સવાલો ઊભા થયા છે.

http://sambhaavnews.com/

You might also like