કારમાં આવેલા નબીરાઓએ બે યુવકોને માર મારી તોડફોડ કરી

અમદાવાદ: લાકડી, દંડા, બેઝબોલ જેવાં હથિયારો રાખવા પર શહેર પોલીસ કમિશનરે પ્રતિબંધ ફરમાવેલો છે. આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ઉપરાંત પોલીસ દ્વારા મોડી રાત સુધી રેસ્ટોરન્ટ અને બહાર ફરતા લોકોને ઘરે જવા સૂચના અપાતી હોય છે, પરંતુ પોશ વિસ્તાર એવા બોડકદેવમાં મોડી રાતે વૈભવી કારમાં ફરતા નબીરાઓએ રેસ્ટોરન્ટની બહાર ક્રિકેટ રમતા રેસ્ટોરન્ટના મેનેજર અને કર્મચારીઓને લાકડી અને દંડા વડે માર માર્યો હોવાનો બનાવ બન્યો છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ નવરંગપુરાના લીમડીવાડમાં રહેતા યશ પરીખ બોડકદેવ ખાતે આવેલી મોકા રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. રાત્રે બે વાગ્યે નોકરી પૂરી કરી યશ અને તેમના મિત્રો રેસ્ટોરન્ટ બહાર ક્રિકેટ રમી રહ્યા હતા. દરમ્યાનમાં સવા બે વાગ્યાની આસપાસ બે ફોર્ચ્યુનર કારમાં ચાર શખસ આવ્યા હતા. એક યુવકે અહીં ક્રિકેટ કેમ રમો છો? અહીં ક્રિકેટ નથી રમવાનું કહ્યું હતું. યશે તમારી કાર માટે જગ્યા કરી આપું કહેતાં અહીંયાં જ ગાડી ઊભી રાખું છું તેમ કહી બેઝબોલ તથા લાકડી-દંડા વડે ચારેય યુવકોએ ગાળો બોલી મારામારી કરી હતી.

રેસ્ટોરન્ટની બહાર પડેલાં ખુરશી, ટેબલ, કૂંડાં અને બહાર પાર્ક કરેલાં ત્રણ વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
રેસ્ટોરન્ટના માલિકના ભાઇ ત્યાં હાજર હોઇ તેઓએ એક યુવકને પકડી તેનું નામ પૂછતાં ઉમંગ કપોપરા (રહે. સત્યાગ્રહ છાવણી, સેટેલાઇટ) હોવાનું જણાવ્યું હતું. હાલ વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like