જિંદગીના ઝંઝાવતો સામે સ્વમાનભેર લડતા રહો…

ઝંઝાવાતો સામે પરાક્રમની જ્યોતને જલતી રાખવી

  • ભૂપત  વડોદરિયા

કેટલાક લોકો છાતી ઠોકીને એવું કહે છે કે અમારો આર્થિક વહેવાર એટલો બધો ગણતરીપૂર્વકનો છે કે અમે કદી આર્થિક સંકળામણમાં સપડાઈ જઈએ જ નહીં. એ વાત ખરી છે કે કેટલાક લોકો પોતાની આવકનું આયોજન એટલું વ્યવસ્થિત રીતે કરે છે કે તેઓ આર્થિક હાડમારીનો ભોગ બનતા નથી. આવા લોકોને જરૃર ધન્યવાદ ઘટે છે. એવા પણ લોકો છે જેને પોતાના ચોખ્ખા વહેવારનું અભિમાન છે. આવા લોકો નાણાંની તકલીફમાં આવી પડે તો પણ તેમની આબરૃ તેમને નાણાં ઊભા કરવાનું સામર્થ્ય બક્ષે છે. આ લોકો કહે છે કે અમે ઘરે રોટલો ને મીઠું ખાઈએ પણ અમારો વહેવાર કદી ન ચૂકીએ. અમને માંગ્યા નાણાં મળે છે તેનું કારણ આ છે. આપનાર માણસને ખાતરી હોય કે આ માણસ નાણાં પાછા આપાવનો વાયદો તારીખ અને સમય સાથે પાળશે. આવા લોકો માટે પણ આપણા મનમાં માન જ જાગે પણ એવા અનેક લોકો છે જેમની ગણતરીઓ ખોટી પડે છે. એમને શિરે અણધારી મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે અને તેઓ આર્થિક ભીંસમાં સપડાઈ જાય છે. કાં તો એમણે આત્મહત્યા કરવી પડે, કાં તો એમણે નાદારી નોંધાવવી પડે અને કાં તો એમણે લાંબાં વર્ષોની મજૂરી વેંઢારવી પડે. એ માટે પણ તેઓ તૈયાર હોય છે, કેમકે એમની દાનત સાચી હોય છે પણ શાહુકારો એમને સમય આપવા તૈયાર હોતા નથી. સમાજનો એવો નિયમ છે કે તમારી પાસે હજાર રૃપિયા હશે તો કોઈ તમને બીજા હજાર આપશે પણ તમારી પાસે કંઈ નહીં હોય ત્યારે કોઈ તમને પાંચ રૃપિયા પણ નહીં ધીરે.

આવા એક દુઃખી મનુષ્યનો ભેટો થઈ ગયો. તેની પાસે ધન હતું, મકાન હતું, ધંધો હતો અને પ્રતિષ્ઠા હતી પણ એવું વાવાઝોડું આવ્યું કે બધો જ ખેલ વિંખાઈ ગયો. મિલકત તો છે પણ એવા દબાણ નીચે છે કે તેનો નિકાલ કરીને મુક્ત થવાનું સહેલું નથી. આવા બધા મનુષ્યોને એ જાણીને રાહત થશે કે આવા આર્થિક ઝંઝાવાતો હોવા છતાં કેટલાક મનુષ્યો કિસ્મત સામે, સમાજ સામે બરાબર લડ્યા છે અને સાંગોપાંગ ઊતર્યા છે. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન સર્વેયરની નોકરી કરતા હતા. તેમને ઘોડો મળતાં લેણદારોએ એ ઘોડો જ પડાવી લીધો. આ તો નાનકડી વાત કહેવાય પણ એમની બાવન વર્ષની જિંદગી સુધી આર્થિક મુશ્કેલીઓએ તેમનો પીછો છોડ્યો નહીં. એ પ્રમુખ ચૂંટાયા અને તેમને વ્હાઈટ હાઉસમાં જવાનું થયું ત્યારે પણ ૫૦૦ ડૉલર ઉછીના લઈને જવું પડ્યું હતું પણ લિંકને પાઈએ પાઈનું કરજ ચૂકવી દીધું હતું. આખી જિંદગી એ લડતા રહ્યા હતા. અમેરિકાના એવા બીજા પ્રમુખ હેરી એસ ટ્રુ મેન ૪૧ વર્ષની ઉંમરે ફર્નિચરના ધંધામાં પડ્યા. એવા ઝંઝાવાતમાં સપડાયા કે નાદારી સિવાય બીજો માર્ગ ના રહ્યો. મિત્રોએ સલાહ આપી કે નાદારી નોંધાવી દો. ટ્રુ મેન પોતાનું સ્વમાન વહાલું હતું. તેમણે પોતાના એક બૅન્કર મિત્રને બોલાવ્યા. બૅન્કર મિત્રે કહ્યું કે, ‘કહો તો થોડી મદદ કરું, બાકી તમે આમાંથી બહાર નીકળશો કઈ રીતે ?’ ટ્રુ મેન કહ્યું કે, ‘મારે મદદ નથી જોઈતી, સમય જોઈ છે. તમે મારા મિત્ર છો. લેણદારોને એટલું સમજાવો કે મને સમય આપે. ટ્રુ મેને પોતાની કથામાં લખ્યું છે કે મેં કોઈ મહિને વીસ, તો કોઈ મહિને પચીસ ડૉલરના હપ્તા ભરીને ૨૧ વર્ષ સુધી કરજ ચુકવતા રહ્યા!’ ટ્રુ મેનની જિંદગીના લગભગ ૫૮ વર્ષ એમાં વહી ગયાં. પછી તો એવું બન્યું કે તેઓ ઉપપ્રમુખ બન્યા અને છેવટે રૃઝવેલ્ટનું અવસાન થતાં પ્રમુખ બન્યા. બ્રિટનના એક જાજરમાન વડાપ્રધાન ડિઝારાયલીએ ૨૧ વર્ષની ઉંમરે અખબાર કાઢવાનું સાહસ કરીને હજારો પાઉન્ડનું દેવું નોતર્યું. ઘરની બહાર પગ મૂકી ના શકે. આ માણસે કરજમાંથી મુક્ત થવા ૩૦ વર્ષ જંગ ખેલ્યો. રાજકારણમાં પણ રહ્યા. ત્રણ વાર ચૂંટણી હારી ગયા. ચોથી વાર એ ચૂંટણી લડ્યા ત્યારે તેમના પ્રતિસ્પર્ધીઓએ છાપામાં જાહેરખબર છપાવી કે આ માણસ ઉપર આટલું કરજ છે ! પાર્લામેન્ટમાં જઈને એ લોકોની શું સેવા કરશે ? એ દિવસે ડિઝરાયલીની જાહેરસભામાં કાચો-પોચો માણસ તો તે દિવસે આવી ભાષણ કરવા પણ શેનો જાય ?

પણ ડિઝરાયલી જુદી માટીનો માણસ હતો. તે સભામાં ગયો. પ્રવચન કરવા ઊભો ત્યારે ઊહાપોહ થયો અને ડિઝરાયલીએ ત્યારે કહ્યું કે, જે ખબર છપાયા છે તે બરાબર સાચા છે પણ જેમણે સેવાને બદલે મેવા જ મેળવ્યા છે તે બધા તો માલદાર જ છે ! હું કરજદાર છું તે બાબત મહત્ત્વની નથી. મહત્ત્વની બાબત હું પ્રામાણિક છું તે જ છે. મારી પ્રામાણિકતા વિશે તમારે કદી ફરિયાદ કરવી નહીં પડે. એ ચૂંટણીમાં ડિઝરાયલી જીત્યો પણ સત્તા તો ઘણી દૂર હતી. વર્ષો સુધી ડિઝરાયલીએ ગરીબીનો જંગ ખેલ્યો. એક દિવસ જિંદગીની નમતી સંધ્યાએ વડાપ્રધાન પણ બન્યો અને યાદગાર વડાપ્રધાન બન્યો.

સામ્યવાદના પિતા કાર્લ માર્ક્સે દારુણ ગરીબી જોઈ હતી છતાં એ હાડમારીઓ વચ્ચે તેમણે ગીતા સમા ‘દાસ કેપિટલ’ ગ્રંથનું સર્જન કર્યું. રશિયામાં ક્રાંતિ લાવનાર લેનિન પણ અત્યંત વિકટ આર્થિક સંજોગોમાં જીવ્યા હતા. ૧૯૧૫ની સાલમાં લેનિનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમના એક મિત્ર લેનિનના મિત્રો પાસેથી થોડાં નાણાં એકઠાં કરીને નાનકડી મદદ આપવા નક્કી કર્યું. જીવનમાં સારી જગાએ ગોઠવાયેલા આ મિત્રોએ લેનિનની નિષ્ફળ જિંદગીનો ખ્યાલ કરીને કહ્યું કે આ માણસ પેટ ભરવા મજૂરીએ શા માટે જતો નથી ? શા માટે એ ક્રાંતિની ધૂન લઈને બેઠો ? શું એ પોતાની જાતને રશિયાના રાજાનો વારસદાર સમજે છે ? હું લેનિનને મદદ કરવા કરતાં મારાં કૂતરાંને વધુ બિસ્કિટ ન ખવરાવું ? ૧૯૫૧ની વાત છે. આ જ ગરીબ, દુખી, બીમાર લેનીને ૧૯૧૭માં ક્રાંતિ કરી અને રશિયાની સામ્યવાદી સત્તાનો સર્વ સત્તાધીશ બન્યો.

આપણે ત્યાં જયપ્રકાશ નારાયણે ઘણી આર્થિક હાડમારીઓ વેઠી હતી. લાલબહાદુર શાસ્ત્રીની ગરીબીની વાત કંઈ અજાણી નથી. જવાહરલાલ નેહરુના પિતા મોતીલાલની ધીકતી પ્રૅક્ટિસ એક જમાનામાં ચાલતી હતી પણ એમણે ગાંધીજીની દીક્ષા લીધા પછી એ પણ ઘણી મુશ્કેલીમાં મુકાયા હતા. જવાહરલાલ નેહરુ પાસે સિગારેટના પણ પૈસા નહોતા ત્યારે તેમણે કાઁગ્રેસના મહામંત્રીને કંઈક પગાર હોવો જોઈએ તેવી માંગણી ગાંધીજી પાસે મૂકી હતી. એના જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું કે આ ખ્યાલ ખોટો છે. તેને બદલે તમે કાં શિક્ષકનું કામ કરો કે પછી કોઈ અખબારમાં લેખો લખવાની નાનકડી નોકરી કરો ! સ્વામી વિવેકાનંદ બી.એસસી. પાસ જુવાન હતા. નરેદ્રનાથ તેમનું નામ હતું. તેઓ બેકારીની આકરી ભીંસમાં હતા. ઘરમાં પૂરતું અન્ન નહોતું. તેથી માતાને સમજાવતા કે હું મિત્રોને ત્યાં સરસ ભોજન કરીને આવ્યો છું ! એમણે કેટલાંય દિવસો સુધી ભૂખ વેઠી હતી. સમર્થ બંગાળી વાર્તાકાર શરદચંદ્ર જેવી ગરીબી બહુ થોડાએ જોઈ હશે.

આખી દુનિયા જેની વાર્તા ‘ડોન ક્વીઝોટ’ (અગર દોન કિહોટે) આજે વાંચીને હસે છે તેના લેખક સાર્વન્ટિસ દારુણ ગરીબીમાં જીવ્યા હતા. ૫૮ વર્ષની ઉંમર સુધી તો બે ટંકના ભોજનની જ ગડમથલ રહી હતી. છતાં ગરીબીના ગમે તેવા  ઝંઝાવાતો તેમના પરાક્રમની જ્યોતને ઝંખાવવા દીધી નહોતી.

વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસનની જિંદગીના છેલ્લાં વર્ષોમાં તેમની પ્રયોગશાળા અને બધું જ આગમાં ખાક થઈ ગયું. સિત્તેર વર્ષની આસપાસના માણસની જિંદગીમાં આવી તબાહી ઊતરી આવે ત્યારે તેની છાતી જ બેસી જાય કે બીજું કંઈક થાય ? પણ એડીસને બૂમ પાડીને પત્નીને બોલાવી. વૈજ્ઞાનિક એડીસને પત્નીને કહ્યું કે, ‘બરાબર જોઈ લે ! આવી રંગબેરંગી આગ જિંદગીમાં તને કદી જોવા નહીં મળે !’ અગ્નિમાં સ્વાહા થઈ રહેલાં રસાયણોને લીધે આ રંગોળી પ્રગટી હતી. એડીસન લાચાર બન્યો. ફરી પ્રયોગશાળા ઊભી કરવા એણે કમર કશી.

દૃષ્ટાંતો આપવાં હોય તો દેશવિદેશના આવા કેટલાક બધા દાખલા આપી શકાય તેમ છે કે જેનો પાર ન આવે પણ આવા દૃષ્ટાંતોની હારમાળાની જરૃર નથી. આપણો મુદ્દો એ જ છે કે ગમે તેવા આર્થિક ઝંઝાવાતોમાં સપડાયેલો માણસ પણ જિંદગીની બાજીથી હાથ ધોઈ નાખવાનો ઇન્કાર કરી શકે છે. એ આવા ઝંઝાવાતો સામે બહાદુરીથી લડી શકે છે અને સાથે જિંદગીનું મધ માપી પણ શકે છે. આ વાવાઝોડાની અસર નીચે તેણે નિક્રિય અને હતપ્રભ બની જવાની જરૃર નથી. સ્વામી વિવેકાનંદ કહે છે તેમ, લોકો તો શક્તિને પૂજે છે. લોકો શક્તિ, સામર્થ્ય અને સફળતાને વંદન કરે છે. આપણી બેહાલી ઉપર હસે કે મોં ફેરવી લે તો તેનું દુખ લગાડ્યા વગર માણસે પોતાની પૂરી તાકાતથી જિંદગીનો રથ વિપત્તિના ચીકણા કાદવમાંથી બહાર ખેંચી કાઢવા પોતાનો ખભો પહોળો કરો. સફળતા નિષ્ફળતા ઈશ્વરના હાથમાં છે તેમ સમજીને મોટે ભાગે માણસના આવા પ્રયાસો જવલ્લે જ સરિયામ નિષ્ફળતાને વરતા હોય છે. પ્રારબ્ધનો ઉપહાસ તમે હસતે મુખે સહન કરીને તમારા માર્ગેથી ચલિત થયા વિના આગળ વધો ત્યારે ક્યારેક પ્રારબ્ધને પણ તમારાં ઓવારણાં લેવાનું મન થાય છે.

સાહીરની પંક્તિઓ પૂરી તો યાદ નથી પણ તેણે કંઈક એવું ગાયું છે કે…

લાખ તુફાં ઊઠે, હજાર બિજલિયાં ગિરે,
જો ફૂલ ખિલનેવાલે હૈં વો તો ખિલકે હી રહેંગે !

તોફાન અને વીજળી ભલે આવે, આપણે ખીલવું જ છે એવું નિશ્ચય કરીને ધરતીનું અમૃત અને આકાશનું તેજ તમારા તન-મનમાં  ઝંકૃત કરો. સંભવ છે કે ગરીબી અને નિર્ધનતાના અભિશાપ વચ્ચે પણ તમે કંઈક વિશિષ્ટ પ્રાપ્ત કરી શકો.

———————————.

You might also like